રાજકોટ
News of Thursday, 26th November 2020

જગ્યા રોકાણ શાખાની ટીમ સામે બેફામ સીન કરનારા રેંકડીધારકને અંતે કાયદાનું ભાન કરાવાયું

હુમલામાં કર્મચારી રાજદિપસિંહને જમણા હાથમાં ફ્રેકચરઃ તાલુકા પોલીસે ગુનો નોંધી નવાબ માડકીયાને દબોચ્યો

રાજકોટ : નાના મવા રોડ પર દબાણ હટાવવા ગયેલી મ્યુ. કોર્પોરેશનની ટીમ, વિજીલન્સ સ્ટાફ સાથે બેફામ ગાળાગાળી કરી હુમલો કરી ફરજમાં રૂકાવટ કરવાની ઘટનામાં મામલો તાલુકા પોલીસમાં પહોંચતાં પોલીસે કાલાવડ રોડ સરિતા વિહાર સોસાયટી મકાન નં. ૬૭માં રહેતાં અને મ્યુ. કોર્પોરેશનમાં દબાણ હટાવ શાખામાં ફરજ બજાવતાં રાજદિપસિંહ ઘનશ્યામસિંહ રાણા (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી રેંકડી ધારક સામે ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું છે. રાજદિપસિંહે ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે અને બીજા એઆરઆઇ દેવેન્દ્રસિંહ જાડેજા, ડ્રાઇવર સુનિલભાઇ દાફડા, એસઆરપીમેન પરેશભાઇ હિરાની, મજુર જેસીંગભાઇ પરમાર, સુરેશભાઇ સોલંકી સહિતની ટીમ નાના મવા રોડ પર પ્રતિલોક પાર્ટી પ્લોટ સામેના રોડ પર રેંકડીવાળા રેંકડીઓ રાખી દબાણ કરી ઉભા હોઇ રેંકડી જપ્ત કરવાની કાર્યવાહી માટે ગયા હતાં. ત્યારે એક રેંકડીવાળાએ 'આ તમારા બાપનો રોડ છે? હું રેંકડી લેવાનો નથી' કહી અત્યંત બિભત્સ ગાળો દઇ ઝપાઝપી કરી છરાથી હુમલો કરી હાથમાં ઇજા પહોંચાડી હતી.

એ પછી બીજા કર્મચારીઓએ વચ્ચે પડી રાજદિપસિંહને છોડાવ્યા હતાં. પોલીસને પણ જાણ કરાઇ હતી. પણ પોલીસ પહોંચી એ પહેલા રેંકડી ધારકે ત્રાજવાનો છુટો ઘા કર્યો હતો અને બેફામ ગાળાગાળી ચાલુ રાખી હતી. એ પછી પોલીસ તનેે લઇ ગઇ હતી. રાજદિપસિંહને હાથમાં ફ્રેકચર થઇ ગયું હોઇ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પીએઅસાઇ વી. પી. આહિરે આઇપીસી ૩૨૫, ૩૩૩, ૩૩૬, ૧૮૬, ૫૨૪, ૧૩૫ મુજબ ગુનો નોંધી રેંકડીધારક નવાબ અનવરભાઇ માડકીયા (ઉ.વ.૧૮-રહે. નાના મવા આવાસ યોજના કવાર્ટર)ને સકંજામાં લીધો હતો. આ શખ્સે મ્યુ. કોર્પોરેશનની જગ્યા રોકાણ શાખા અને વિજીલન્સ સાથે રિતસર આતંક મચાવી સરાજાહેર આબરૂ હણી લીધી હતી. તેના વિડીયો પણ સોશિયલ મિડીયામાં ખુબ વાયરલ થયા હતાં. તાલુકા પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં વધુ તપાસ થઇ રહી છે. તસ્વીરમાં છરા સાથે સીન સપાટા કરતો નવાબ, જેને ઇજા પહોંચી તે વિજીલન્સ અધિકારી, છેલ્લે નવાબને પકડી લેવાયો તે દ્રશ્ય જોઇ શકાય છે.

(12:57 pm IST)