રાજકોટ
News of Thursday, 26th November 2020

BSNL - LIC - પોસ્ટલ કર્મચારીઓની સજ્જડ હડતાલ

BSNL કર્મચારીઓની અનેક મુદ્દે દેશભરમાં હડતાલ - દેખાવો : 4G સેવા - ત્રીજું પગાર પંચ સહિતની માંગણી : રાજકોટમાં ઓલ ઇન્ડિયા પોસ્ટલના ૪૫ કર્મચારીઓ જોડાયા : સૂત્રોચ્ચાર - દેખાવો : બે યુનિયનો ખસી ગયા : LIC કર્મચારીઓ પણ જોડાતા કામગીરી સંપૂર્ણ ઠપ્પ : બપોરે ભારે દેખાવો

રાજકોટ તા. ૨૬ : ખાનગીકરણના વિરોધમાં આજે બેંક હડતાલની સાથોસાથ દેશભરમાં BSNL - LIC - પોસ્ટલ કર્મચારીઓએ પણ સજ્જડ હડતાલ પાડતા તમામ કચેરીઓ સૂમસામ ભાંસતી નજરે પડી હતી.

BSNLના રાજકોટના ૩૫૦થી વધુ સહિત દેશભરના ૭૦ હજાર કર્મચારીઓએ 4G સેવા - ત્રીજુ પગાર પંચ - પગાર અનિયમીત, મેડીકલ બીલ, મોંઘવારી ભથથામાં કાપ, પેન્શન સહિતના મુદ્દે હડતાલનું એલાન આપ્યું હતું. રાજકોટ સર્કલમાં ૩૫૦ કર્મચારીઓ જોડાતા બીલીંગ સહિતની કામગીરી ઠપ્પ થઇ ગઇ હતી.

આવી જ રીતે LIC દ્વારા પણ કર્મચારીઓએ હડતાલને ટેકો જાહેર કરી હડતાલ પર ઉતરી જતા પ્રિમીયમ ભરવા સહિતની કામગીરીને ભારે વિક્ષેપ પડયો હતો. અરજદારોને ધક્કા થયા હતા, રાજકોટ ડિવીઝનના તમામ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા હતા.

આ ઉપરાંત ઓલ ઇન્ડિયા પોસ્ટલ યુનિયને પણ હડતાલને ટેકો જાહેર કર્યો છે, આમ રાજકોટમાં આ યુનિયનના ૪૫ કર્મચારીઓ હડતાલમાં જોડાતા તમામ કામગીરી અટકી ગઇ હતી, પોસ્ટલના અન્ય બે યુનિયનો લડતમાંથી ખસી જતા તેમાં જોડાયેલા કર્મચારીઓએ સામાન્ય કામગીરી ચાલુ રાખી હતી.

(3:37 pm IST)