રાજકોટ
News of Tuesday, 26th November 2019

હૈ અપના દિલ તો આવારા... વિશ્વજીતજીએ શ્રોતાઓના દિલ જીત્યા

સુવિખ્યાત અભિનેતા વિશ્વજીતજી બન્યા સૂરસંસારના મહેમાન : ભગવતીભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ યાદગાર મ્યુઝીકલ ઈવેન્ટ :ગાયકો વિશ્વનાથ બાટુંગે અને વિભાવરી દવેએ પણ યાદગાર ગીતો રજૂ કર્યા : રાજકોટના કલાકારોએ સાથ આપ્યો : પૂ.બાપુની ૧૫૦મી જન્મજયંતિ નિમીતે સારે જહાં સે અચ્છા...! સાબરમતી કે સંત તુને કર દીયા કમાલ જેવા દેશભકિતના ગીતો પણ પિરસાયા : લેખક રજનીકુમાર પંડયા લિખીત ફિલ્મ પર્સનાલીટીની મુલાકાત આધારીત : પુસ્તક 'આપ કી પરછાંઇયા' નું વિમોચન : વિશ્વજીતજીની સાથે તેમના પુત્રી અને બંગાળી, હિન્દી ટીવી ફિલ્મના કલાકાર પ્રાઇમાની પણ ઉપસ્થિતિ : સુરિલા અને તાલીમબધ્ધ ગાયક વિશ્વજીતજીએ યે નયન ડરે ડરે... ન તુમ હમે જાનો... હૈ અપના દિલ તો આવારા... જેવા ગીતો વફાદારીથી રજૂ કર્યા

રાજકોટ : 'આઇ લવ યુ સૂરસંસાર' આઇ લવ યુ રાજકોટ ! આ શબ્દો હતા ૧૯૬૦-૭૦ ના વર્ષોના સુવિખ્યાત ફિલ્મ અદાકાર વિશ્વજીતજીના 'રાત કે પોને એક બજે તક આપ સબ યહાં બૈઠે હો, આપ કે સંગીત પ્રેમકો સલામ'

રાજકોટની સુપ્રસિધ્ધ સંસ્થા સૂરસંસારના કાર્યક્રમ સંદર્ભે રાજકોટ આવેલા અભિનેતા વિશ્વજીત સંસ્થાના ૧૪૮માં કાર્યક્રમમાં હેમુગઢવી નાટયગૃહના મંચ ઉપરથી શ્રોતાઓને સંબોધન કરી રહ્યા હતા. ૮૩ વર્ષની ઉંમરે પણ સ્વાસ્થ્ય અને તાજગી સાથે વિશ્વજીતજીએ કેટલાક ગીતો પણ રજૂ કર્યા હતા. તેઓના ગીતોમાં એનર્જી અને સ્ફુર્તી જોઇને શ્રોતાઓ આફરીન પોકારી ગયા હતા.

સૂરસંસારની સ્થાપના ભગવતીભાઇ મોદીની રાહબરી હેઠળ ૧૯૯૪માં થઇ હતી. સંસ્થાના હવે પછી યોજાનારા સિમાચિહનરૂપ ૧૫૦માં કાર્યક્રમથી હવે માત્ર એક પગલું દૂર છે. સંસ્થા પોતાના ૧૫૦મો કાર્યક્રમ સાંગિતીક ભવ્યતાથી ઉજવવા પ્રયત્નશીલ છે તા.૧૫ નવે.ના રોજ યોજાઇ ગયેલા આ કાર્યક્રમમાં વિશ્વજીતના સુપુત્રી પ્રાઇમા પણ જોડાયા હતા. તેઓ બંગાળી હિન્દી તખ્તા ટીવી અને ફિલ્મના જાણીતા અભિનેત્રી છે અને પોતાનું સ્થાન જમાવી રહ્યા છે.

આ કાર્યક્રમમાં ગુજરાતના સુવિખ્યાત સાહિત્યકાર, કટારલેખક, ટીવી અને ફિલ્મક્ષેત્રના લેખક સંશોધક રજનીકુમાર પંડયા પણ આવ્યા હતા.

ગુજરાતના જાણીતા ગાયક કલાકારો વિશ્વનાથ બાટુંગે (અમદાવાદ) તથા શ્રીમતી વિભાવરીયાદવ (વડોદરા) પણ આ કાર્યક્રમ માટે આવ્યા હતા.

ઇશ્વર સ્તુતીના ગાન સાથે શ્રોતાઓની ઇન્તઝારી વચ્ચે કાર્યક્રમની શરૂઆત થઇ હતી. રાષ્ટ્રગીત દ્વારા રાષ્ટ્રવંદના પછી વિભાવરીજીના કંઠે કહી દિપ જલે કહી દિલ ગીત રજૂ થયુ. માહૌલ બરાબર જામી ગયો હતો. લોકોની ઉત્કંઠા ચરમસીમાએ પહોચી હતી. થોડી શાબ્દિક પૂર્વભૂમિકા બાદ 'બેકરાર કરકે હમે યુ ન જાઇએ' જેવા સદાબહાર ગીતના પ્રીલ્યુડ સાથે વિશ્વજીતજીનો મંચ ઉપર પ્રવેશ થયો ત્યારે ઉપસ્થિત શ્રોતાઓએ તેઓનુ તાળીઓથી સ્વાગત કર્યુ હતુ.

ત્યારબાદ સૂરસંસારના કાર્યવાહક કમિટી મેમ્બર્સે વિશ્વજીતજીનું ઉચીત સન્માન કર્યુ. આ કાર્યક્રમ માટે ખાસ ઉપસ્થિત રહેલા શ્રીમતી અંજલીબેન રૂપાણીના વરદ હસ્તે બિશ્વજીતજીનું પુષ્પગુચ્છથી અભિવાદન કરવામાં આવ્યુ હતુ. આ તકે મંચસ્થ બધા જ કલાકારોનું પણ સ્વાગત કરવામાં આવ્યુ. સંસ્થાના મોભી ભગવતીભાઇ મોદીએ પ્રસંગોચીત ઉદબોધન આપ્યુ હતુ. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નિતીનભાઇ ભારદ્વાજ અને શ્રીમતી વંદનાબેન ભારદ્વાજ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સરળ અને નિખાલસ સ્વભાવ ધરાવતા બિશ્વજીતજીએ થોડા ગીતો પણ રજૂ કર્યા હતા. બંગાળની ભૂમિના આ કલાકારે પોતાની કારકીર્દી અંગે પણ વાતો કરી હતી. બંગાળની નાટયભૂમી સાથે તેઓ યુવાવયથી જ જોડાયેલા રહ્યા હતા. સંગીત પણ તેમને ગળથુથીથી મળ્યુ. સંગીતપ્રેમ થકી તેઓ છેક બંગાળી પાર્શ્વગાયન સુધી પહોચ્યા હતા. મુંબઇની ફિલ્મ નગરીમાં તેમના પ્રવેશબાદ તેઓને પાર્શ્વગાયનની ઓફર પણ મળી હતી પણ બિશ્વજીતજીએ માત્ર અભિનય ઉપર જ ધ્યાન કેન્દ્રીત કર્યુ. તેમણે માત્ર એક જ હિન્દી ફિલ્મ દોશીકારીના એક ગીતમાં અવાજ આપ્યો હતો.

આવા સુરીલા અને તાલીમબધ્ધ ગાયક બિશ્વજીતજીએ 'યે નયન ડરે ડરે','ન તુમ હમે જાનો' હૈ આપના દિલ તો આવારા, જેવા મૂળ હેમંતકુમારે ગાયેલા ગીતો પુરી વફાદારીથી રજૂ કર્યા. મહમ્મદ રફીના અમર સ્વરે ગવાયેલુ સદાબહાર 'પુકારતા ચલાહું મૈ' ગીતમાં તેઓએ વિશ્વનાથ બાટુંગેને સંગાથ આપ્યો હતો.

ગાયક કલાકાર બેલડી વિશ્વનાથ બાટુંગે અને શ્રીમતી વિભાવરી યાદવે યાદગાર ગીતો રજૂ કરીને શ્રોતાઓને ભાવવિભોર કરી મુકયા. જેમાં 'હુએ હૈ તુમપે આશિક હમ', 'યે પર્વતો કે દાયરે યે શામકા ધુઆ','કુછ દિલને કહા','મેરી મુહબ્બત પાક મુહબ્બત', 'નઝર ન લગ જાએ કિસીકી રાહો મે', 'તુમ્હારી નઝર કયું ખફા હો ગઇ', 'દિલને પ્યાર કિયા હૈ એક બે વફાસે','લાખો હૈ યહા દિલવાલે','હમદમ મેરે માનભી જાઓ','આ ગલે લગજા','આંખો મે કયામત કે કાજલ','રોકા કઇ બાર મૈને દિલકી ઉમંગ કો','ન ઝટકો ઝુલ્ફસે પાની'જેવા સદાબહાર ગીતોનો સમાવેશ કરાયો હતો.

વિભાવરીજીના મુખ્ય કંઠે ગવાયેલા ગીત 'હોથો પે ઐસી બાત મૈ દબા કે ચલી આઇ' સાથે પ્રાઇમાએ સ્ટેજ ઉપર નૃત્ય કરીને સૌને ચોંકાવ્યા હતા. જયારે અન્ય એક ગીત 'કજરા મુહબ્બતવાલા'માં વિભાવરીજી સાથે રાજકોટના યુવા ગાયિકા ખ્યાતી પંડયાએ સાથ આપ્યો હતો.

કાર્યક્રમમાં મધ્યભાગે સાહિત્યકાર રજનીકુમાર પંડયાએ અભિનેતા બિશ્વજીતજી સાથે ચર્ચાગોષ્ઠિ કરી હતી. દરમિયાન બિશ્વજીતજીએ નિખાલસપણે કેટલીક અજાણી વાતો જણાવી હતી. લેખક રજનીકુમાર પંડયા લિખીત ફિલ્મ પર્સનાલીટીની મુલાકાત આધારીત પુસ્તક ' આપકી પરછાંઇયાં' વર્ષો પૂર્વે પ્રસિધ્ધ થયુ હતુ. જેની હિન્દી આવૃતિ સૂરસંસારના મંચ ઉપરથી બિશ્વજીતજીના હસ્તે લોકાર્પિત કરવામાં આવી.

આ કાર્યક્રમમાં વાદ્યવૃંદનું વાદન ખૂબ જ પ્રશંસનીય રહ્યુ હતુ. યુવા કિબોર્ડ વાદક મયુર પટેલનુ વાદન ઉપરનું પ્રભુત્વ માણવાનો લ્હાવો મળ્યો. ફલ્યુટ ઉપર જનક દરજી (આણંદ) અને ગીટાર ઉપર હિતેશ મહેતા (રાજકોટ) બે મીસાલ રહ્યા. રિધમ સેકશન સાથે સમગ્ર ટીમના વાદ્યવૃંદે કાર્યક્રમને અલગ ઉંચાઇ ઉપર લાવી મુકયો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયંત જોશીએ સંભાળ્યુ હતુ.

સૂરસંસારના રપ વર્ષના ઇતિહાસમાંપ્રથમ જ વખત કમિટીના સભ્યો મનીષભાઇ શાહ, પંકજભાઇ ઘેલાણી, નૂતનભાઇ ભટ્ટ, પિયુષભાઇ મહેતા અને મુકેશભાઇ મંચ ઉપર આવ્યા હતા. છેલ્લા અનેક વર્ષોથી આ કમીટી સંસ્થાની સફળતા માટે પરદા પાછળ પોતાની ફરજ બજાવતા રહ્યા છે.

કાર્યક્રમના સમાપને પુ.મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષમાં અંજલી રૂપે ફિલ્મ જાગૃતિનું દેશપ્રેમથી છલકતું ગીત 'દે દી હમે આઝાદી બીના અડગ બીના ઢાલ, સાબરમતી કે સંત તુને કરદીયા કમાલ' વિભાવરીજીના ભાવુક કંઠે રજૂ થયુ. સૂરસંસારની પરંપરા મુજબ 'સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા' ના વાદ્ન દ્વારા આ ભવ્ય કાર્યક્રમનું સમાપન થયુ.

આ રીતે વધુ એક સફળ કાર્યક્રમ પોતાની મધુર યાદો સાથે પુર્ણ થયો હોવાનુ શ્રી ભગવતીભાઇ મોદી (ફો.૦૨૮૧-૨૫૭૭૫૬૩)એ અંતમાં જણાવ્યુ હતુ.

(3:39 pm IST)