રાજકોટ
News of Tuesday, 26th November 2019

૮ વર્ષની બાળા જેને દાદા કહેતી એણે દેહ અભડાવવા પ્રયાસ કર્યોઃ હવસખોર ઢગા ભરત સોલંકી પર ફીટકાર

ઘંટેશ્વર ૨૫ વારીયાના દેવીપૂજક શખ્સ સામે મહિલા પોલીસે પોકસો-નિર્લજ્જ હુમલાનો ગુનો નોંધી સકંજામાં લીધો

રાજકોટ તા. ૨૬: ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતાં ભરત કાનજીભાઇ સોલંકી નામના દેવીપૂજક શખ્સે પોતાને જે બાળા દાદા કહેતી હતી એ આઠ વર્ષની માસુમ બાળાને રૂમમાં પુરી નિર્વસ્ત્ર કરી બિભત્સ અડપલા કરી દેહ અભડાવવા પ્રયાસ કરતાં આ હવસખોર સામે ફિટકાર વરસી રહ્યો છે. મહિલા પોલીસે પોકસો હેઠળ ગુનો નોંધી તેને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્યું છે.

બનાવ અંગે મહિલા પોલીસે બાળાના માતાની ફરિયાદ પરથી ભરત સોલંકી સામે આઇપીસી ૩૫૪ (બી), ૫૦૬ (૨) તથા પોકસોની કલમ ૩, ૪ મુજબ ગુનો નોંધ્યો છે.  ફરિયાદમાં જણાવાયું છે કે તેણે તેની ૮ વર્ષની દિકરીની બહેનપણી મારફત ઘટનાની ખબર પડી હતી. તેણીએ કહ્યું હતું કે-તમારી દિકરી સાંજે ભરતદાદાને ખીચડી આપવા ગઇ ત્યારે પોતે પણ સાથે ગઇ હતી. પોતાને ભરતદાદાએ રૂમની બહાર ઉભી રાખી હતી અને તમારી દિકરીને તે અંદર લઇ ગયેલ. એ પછી તમારી દિકરીના કપડા કાઢી નાંખી તે ઉપર સુઇ ગયેલ અને થોડીવાર બાદ ઉભો થઇ ગયો હતો અને તમારી દિકરીને કપડા પહેરવાનું કહી બહાર મોકલી દીધી હતી.

દિકરીની બહેનપણી મારફત આ વાત જાણી મહિલા ચોંકી ગયા હતાં. આ બાબતે દિકરીને પુછતાં તેણીએ પણ આ વાત કરી હતી. તેમજ પોતાને ભરતદાદાને ધમકી આપ્યાનું કહ્યું હતું. આ મામલે ગત સાંજે મહિલા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતાં પી.આઇ. આર. એસ. પટેલની રાહબરીમાં પીએસઆઇ એન. બી. ડોડીયા અને સ્ટાફે ગુનો નોંધી હવસખોરને સકંજામાં લેવા તજવીજ કરી હતી. ભરત આશરે ચાલીસ વર્ષનો છે અને છુટક મજૂરી કરે છે.

(1:15 pm IST)