રાજકોટ
News of Tuesday, 26th October 2021

કાળનો પણ કાળ એટલે મહાકાલ : પૂ.ઘનશ્યામજી

ઉજજૈન મહાકાલ મંદિરના મુખ્ય પૂજારીજી પંડિત પૂ.ઘનશ્યામજી શર્મા 'અકિલા'ના આંગણે : શિવજીએ યોગ-વિજ્ઞાન આપ્યા છેઃ ભગવાન મંત્રને આધીન છેઃ મહાકાલની આરતી વખતે વિશેષ ફીલ થાય છેઃ આરતી ઉતારવામાં ભગવાનની નજર ઉતારવાનો ભાવ છેઃ પૂ.ઘનશ્યામજી અને શ્રી મનોજ શર્માજીએ સોમનાથ, દ્વારિકા, નાગેશ્વર, હર્ષદ સ્થાનો પર દર્શન કર્યા

કરોડો ભાવિકોની આસ્થાના ધામ ઉજજૈનના મહાકાલેશ્વર મંદિરના મુખ્ય પૂજારી પૂ. ઘનશ્યામજી શર્મા તથા તેમના પુત્ર મનોજજી શર્મા આજે 'અકિલા'ની મુલાકાતે પધાર્યા હતા. 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇએ તેઓનું પરંપરાગત પધ્ધતિથી સ્વાગત કર્યું હતું, જે તસ્વીરોમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૬ :.. કરોડો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર મધ્ય પ્રદેશ ઉજજૈનના મહાકાલેશ્વર મંદિરના મુખ્ય પૂજારીજી પૂ. ઘનશ્યામજી શર્મા તથા તેમના પુત્ર મનોજજી શર્મા આજે 'અકિલા' ની મુલાકાતે પધાર્યા હતાં.

પૂ. ઘનશ્યામજી ગુજરાત-સૌરાષ્ટ્ર પ્રવાસે  આવ્યા હતા, તેઓએ સોમનાથ, દ્વારિકા, નાગેશ્વર, હરસિધ્ધિધામ તથા જુનાગઢના યાત્રાધામોના દર્શન કર્યા હતાં.

'અકિલા'ના આંગણે પૂ. ઘનશ્યામજીએ આધ્યાત્મિક જ્ઞાન વહાવ્યું હતું, જેની ઝલક માણીએ તેઓએ જણાવ્યું હતું કે, બ્રહ્માંડમાં કાળ સૌથી પ્રભાવી પરિબળ છે, પરંતુ કાળનો પણ કાળ એટલે મહાકાલ છે. આ મહાકાલ ઉજજૈનના મહારાજ તરીકે ઓળખાય છે. ભકતની રક્ષા કરે, અકાળ મૃત્યુને ટાળે, કાળ પર પણ પ્રભાવ રાખે, મનોકામના સિધ્ધ કરે એ મહાકાલ છે.

પૂ. ઘનશ્યામજીએ જણાવ્યું હતું કે, ત્રણે લોકમાં શિવજી એટલે કે, મહાકાલની પૂજા અનિવાર્ય છે. આકાશે તાળકાલિંગમ્, પાતળે હાટકેશ્વરમ્ અને ધરા પર મહાકાલેશ્વરમ્ છે. શિવજીને મહાદેવ કહેવામાં આવે છે. એ દેવોના પણ દેવ છે.

સર્વ શકિતમાન શિવજી ભોળા છે અને ભાવના ભૂખ્યા છે. એ જલધારાથી પણ પ્રસન્ન થઇ જાય છે. શિવજીને ભષ્મ લાગે છે, જયારે ભગવાન વિષ્ણુજીને અલંકાર ચઢે છે. શિવજીને સફેદ વસ્તુ પ્રિય છે. ચંદ્ર, ગંગાજી, ભષ્મ, વગેરે તથા સફેદ વાઘા સાથે હોય છે. જો કે, પૂ. ઘનશ્યામજી કહે છે કે, શકિત વગર શિવજી અધુરા છે અને શિવજી વગર શકિતમાતા અધુરા છે. શિવજીએ વીષ એટલે કે ઝેરનું પાન કર્યુ ત્યારે શકિતએ તેની અસર અટકાવી હતી અને હળાહળ ઝેરને શિવજીના કંઠમાં અટકાવી દીધું હતું. આ ઘટના બાદ શિવજી નિલકંઠ કહેવાયા હતા. શિવ અને શકિત બંને એક જ છે.

પૂ. ઘનશ્યામજીએ કહ્યું હતું કે, ભગવાન મંત્રોને આધીન છે. મહામૃત્યુંજય જેવા મંત્રો જીવનના દરેક સ્તરે ઉપયોગી છે. મંત્રજાપ સમયે ભાવશુધ્ધિ અનિવાર્ય છે ઉપરાંત યોગાસન, પ્રાણાયામ ધ્યાન વગેરે દ્વારા મંત્રને પ્રભાવશાળી કરી શકાય છે. યોગ વિજ્ઞાનથી માંડીને રસવિધાના શાસ્ત્રો શિવજીએ આપ્યા છે. વેદ આપણી દિવ્ય ધરોહર છે. વેદ સંપૂર્ણ છે. તેમાં અમૃત પણ છે અને ઝેર પણ છે. સાધકે વિવેક અને સમજ કેળવીને સકારાત્મક ધ્યેય સાથે આધ્યાત્મિક ક્ષેત્રે પ્રવેશ કરવો જોઇએ. શાસ્ત્રો અપાર છે, શરણાગતભાવ સર્વશ્રેષ્ઠ  છે. પરમતત્વના શરણે રહેવું શ્રેષ્ઠ ગણાય છે.

પૂ. ઘનશ્યામજી કહે છે કે, નકારાત્મક ઉર્જાનો પણ પ્રભાવ છે જ અને તેનો અનુભવ પણ શકય છે. શિવ અને વિષ્ણુ તત્વ નકારાત્મક ઉર્જાથી રક્ષિત કરી શકે છે. આ કારણે ાા શિવાય નમઃ વિષ્ણુયૈ નમઃ ાા મંત્રને સૌથી મોટો મંત્ર ગણવામાં આવે છે.

પૂ. ઘનશ્યામજી કહે છે કે, જયોતિષીઓ અને અન્ય ધાર્મિક મહાનુભાવો પોત-પોતાના ગણિત પ્રમાણે પંચાગ રચે છે તેથી વાર - તહેવાર - પર્વોના દિવસો આડાઅવળા થાય છે અને સામાન્ય લોકો ભ્રમમાં રહે છે. ઉજજૈનના મહાકાલ મંદિરમાં ગ્વાલીયર સ્ટેટના પંચાંગને અનુસરવામાં આવે છે. પંચતત્વની ગણતરી પ્રમાણે પંચાંગ બને છે, જેનું ઉર્જાકીય મહત્વ અપાર છે. આ ક્ષેત્રે ભ્રમનું વાતાવરણ બને છે તે આપણી કમનસીબી છે.

પૂ. ઘનશ્યામજીએ જણાવ્યું હતું કે, દિપાવલીના પર્વોમાં સૌપ્રથમ અન્નકુટ ઉજજૈન મહાકાલને ધરવામાં આવે છે. અન્નકુટ એટલે ખેતર-વાડીએથી આવેલા નવા અનાજને કૂટીને તૈયાર કરવામાં આવતી વાનગીને અન્નકુટ કહેવાય છે.

ઉજજૈન મહાકાલેશ્વર ધામમાં શ્રાવણ મહિનો અને મહાશિવરાત્રી મોટા ઉત્સવો ગણાય છે. આ વર્ષે શ્રાવણ મહિને કુંભ મેળા જેવો માહોલ હતો. મહારાષ્ટ્ર બંધ હોવાથી લોકો મહાકાલના સાનિધ્યમાં ઉજજૈન ઉમટ્યા હતા અને સરકાર તથા મંદિર પ્રશાસને સંકલન સાધીને ભાવિકો માટે શ્રેષ્ઠ વ્યવસ્થા કરાઇ હતી.

'અકિલા' ના આંગણે પૂ. ઘનશ્યામજીનું સ્વાગત 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ પરંપરાગત રીતે હાર પહેરાવીને કર્યુ હતું. (પ-૧૪)

ભષ્મ આરતીમાં સ્મશાનની ભષ્મ વપરાતી નથી

સોશ્યલ મીડિયામાં ચાલતી વાતો અફવા છેઃ મુખ્ય પૂજારી પૂ. ઘનશ્યામજી કહે છે કે, ગાયના છાણાની તાજી અને મંત્રોથી સિધ્ધ થયેલી ભષ્મ આરતીમાંવપરાય છે

રાજકોટ તા. કરોડો લોકોની આસ્થાના ધામ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર અંગે સોશ્યલ મીડિયામાં ગેર માહિતી ખૂબ ફેલાયેલ છે.

સોશ્યલ મીડિયામાં એક વાત ચાલે છે કે, ઉજ્જૈન મહાકાલ મંદિરમાં ભષ્મ આરતીમાં સ્મશાનની રાખ વાપરવામાં આવે છે.

આ વાત ખોટી છે અને માત્ર અફવા છે. મહાકાલ મંદિરના મુખ્ય પૂજારીજી ઘનશ્યામજી આજે અકિલાની મુલાકાતે પધાર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ભષ્મ આરતીમાં ગોબરની ભષ્મ, વાપરવામાં આવે છે. ગાયના પાંચ મોટા છાણાની દરરોજ તાજી ભષ્મ કરવામાં આવે છે. અને એ ભષ્મને કપડાથી ચાળીને બારીક પાઉડર જેવી બનાવવમાં આવે છે. આ અતિ નમમ મંત્રોનું વિધિવત ઉચ્ચારણ કરીને ભષ્મને સિધ્ધ કરીને તેની આરતી કરવામાં આવે છે.  સ્મશાનની ભષ્મની વાતમાં કોઇ તથ્ય નથી.  જો કે, ઘનશ્યામજીએ કહ્યું હતું કે, ઉજજૈન સ્મશાનમાં નાથ સંપ્રદાયના મહાત્મા રહે છે., જે દરરોજ ભષ્મ આરતીના દર્શન કરવા આવે છે, પણ આ મહાત્મા સ્મશાનની રાખ લઇને આવતા હોવાની વાત સત્યથી વેગડી છે.

મહાકાલ મંદિરે પ્રધાનો વડાપ્રધાન તથા વિવિધ ક્ષેત્રની હસ્તીઓ  પધારે છે. પૂ. ઘનશ્યામજીના પિતાશ્રી પૂ. રામચંદ્રજી શર્માએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને પુજા કરાવી હતી. સોનિયાજી, અટલજી, અડવાણીજી, નરેન્દ્રભાઇ મોદીજી વગેરે રાજકીય વિભૂતિઓને પૂ. ઘનશ્યામજીએ પુજા કરાવી છે. જો કે નરેન્દ્રભાઇ વડાપ્રધાન બન્યા બાદ પધાર્યા નથી.

પૂ.ઘનશ્યામજીએ જણાવ્યું હતું કે, આરતી વખતે વિશેષ ઉર્જા, ફિલિંગ અનુભવાય છે.જેની અનુભૂતિ અસંખ્ય ભકતોને પણ થઇ છે.

(4:22 pm IST)