રાજકોટ
News of Tuesday, 26th October 2021

દિવાળી તહેવાર નિમિત્તે રાજયભરમાં ૭૦ લાખ ૪૭ હજાર કપાસીયા તેલના પાઉચ ફાળવતુ પૂરવઠા તંત્ર : જો કે જથ્થો હજુ આવ્યો નથી

સરકારનો ૧ લી નવેમ્બરનો આદેશ : પણ સ્થાનિક તંત્ર દિવાળી પછી વિતરણ થાય તેવી શકયતા ઉમેરે છે : રાજકોટને ર લાખ ૮ર હજાર પાઉચ ફાળવાયા : ૧ લી નવેમ્બરથી વિતરણ કરવા આદેશો : રાજકોટ પૂરવઠા કહે છે વધારાની ખાંડ આવી ગઇ છે તેનું ૧૦૦ ટકા વિતરણ કરી દેવાશે

રાજકોટ, તા. ર૬ : દિવાળીના તહેવારોને લઇને રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડધારકોને ઘઉં, ચોખા, ખાંડ, કપાસિયા તેલ, તુવેરદાળનું વિતરણ આગામી તા.૧ નવેમ્બરથી શરૂ કરાશે. જેમાં રાજ્ય સરકારનું નિયમિત અનાજ ઉપરાંત પ્રધાનમંત્રી અન્ન યોજનાનું મફત અનાજ પણ આપવામાં આવનાર છે. બીપીેએલ, અત્યાર્ય કાર્ડધારકોને કાર્ડ દીઠ એક કિલો વધારાની ખાંડ મળશે. બીપીએલ, અત્યોદય એ એનએફએસએના લાભાર્થીઓને ૧ લીટર કપાસિયા તેલનું પાઉચ આપવામાં આવનાર છે.

નવેમ્બરમાં દિવાળીના તહેવારો શરૂ થઇ રહ્યા છે. ત્યારે તા.૧ નવેમ્બરથી તમામ રેશનિંગની દુકાનોમાં અનાજ પહોંચી જાય અને વિતરણ શરૂ કરી દેવાય તે માટેની પુરતી વ્યવસ્થા પુરવઠા વિભાગ તરફથી હાથ ધરી દેવામાં આવી છે. આ માટે તમામ દુકાનદારોને ચલણ ભરીને નવેમ્બર માસનો જથ્થો લઇ જવાની સુચના પણ આપી દેવામાં આવી છે.

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ હેઠળ નવેમ્બર માસમાં એન.એફ.એસ.એ.કાર્ડધારકોને રેગ્યુલર વિતરણ ઉપરાંત પ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળનું મફતમાં અનાજ પણ આપવામાં આવનાર છે. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્યમાં અત્યોદય, બીપીએલ તથા નેશનલ ફુડ સિક્યુરિટી એકટ હેઠળ અનાજ મેળવવાને પાત્ર એપીએ-૧ અને ૨ કાર્ડધારકોને રિફાઇન્ડ કરેલું કપાસિયા તેલનું એક લીટરનું પાઉચ રૂપિયા ૯૩ના  ભાવ કાર્ડદીઠ આપવામાં આવશે.

રાજકોટમાં ર લાખ ૮ર હજાર કાર્ડ હોલ્ડરોને વધારાની ખાંડ (૧કિલો) અને ૧ લીટર કપાસીયા તેલ ફાળવાયુ છે, પરંતુ હજુ ખાંડ કે તેલનો જથ્થો આવ્યો નથી. પૂરવઠાતંત્રની ૧ લી નવેમ્બરથી વિતરણ અંગ સુચના છે, પરંતુ જથ્થો આવ્યો ન હોય દિવાળી પછી વિતરણ થવાની શકયતા અધીકારી વર્તુળો દાખવી રહ્યા છે.

જો, કે રાજકોટ જીલ્લા પૂરવઠાતંત્રના ઉમેર્યા પ્રમાણે અત્યોંદય કાર્ડ હોલ્ડરો અને બીપીએલ કાર્ડ હોલ્ડરો માટે ખાંડનો વધારાનો જથ્થો આવી ગયો છે અને તેનું ૧૦૦ ટકા વિતરણ કરવા સૂચના અપાઇ છે.

લાભાર્થીને આધાર બેઇઝડ ઓથેન્ટીકેશન (બાયોમેટ્રીક-ઓટીપી) થી જ વિતરણ થાય અને અનઅધિકૃત રીતે જથ્થાનો નિકલ ન થાય તે માટે તમામ કક્ષાએ જરૂરી દેખરેખ રાખવાની પણ સુચના આપી દેવાઇ હોવાનું અધિકારીઓનું કહેવું છે. અમદાવાદ ગ્રામ્યમાં ૧,૮૧,૬૦૮ લીટર પાઉચ અને શહેર માટે ૩,૫૮,૬૪૧ કપાસિયા તેલના પાઉચનો જથ્થો ફાળવવામાં આવ્યો છે.રાજ્યની વાત કરીએ તો ૭૦,૪૭,૧૯૧ લીટર પાઉચ ફાળવાયા છે.

અત્યોદય કાર્ડધારકોને કાર્ડદીઠ ૨૫ કિલો ઘઉં અને ચોખા ૧૦ કિલો મળીને કુલ ૩૫ કિલો અનાજ અપાશે. જ્યારે કાર્ડદીઠ ૭૧ રૂપિયાના ભાવે ૧ કિલો તુવેરદાળ અપાશે.અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યકિતદીઠ ૩.૫ કિલો ઘઉં, ૧.૫ કિલો ચોખા તેમજ કાર્ડદીઠ એક કિલો તુવેરદાળ આપવામાં આવનાર છે. ૨ રૂપિયે કિલો ઘઉં અને ૩ રૂપિયે કિલો ચોખા અપાશે. વન નેશન વન રેશનકાર્ડ યોજના હેઠળ ગુજરાતમાં પણ કાર્ડધારક રાજ્યની કોઇપણ વ્યાજબી ભાવની દુકાન પરથી તેને મળવાપાત્ર જથ્થો મેળવી શકશે.

(4:21 pm IST)