રાજકોટ
News of Tuesday, 26th October 2021

યુનિવર્સિટીનું વધુ એક ભોપાળુઃ ઓલ્ડ કોર્ષના વિદ્યાર્થીઓને મહિનાઓથી માર્કશીટ મળતી નથી !

રાજકોટ, તા. ૨૬ :. ગુજરાતનું શિક્ષણ વિભાગ ખખડીને ખાડે ગયુ છે તેમાં કોઈ મિનમેખ નથી. વર્ષોથી અનેક વિદ્યાશાખાઓમાં લોલંલોલ ચાલી રહ્યુ છે. કોલેજ સંચાલકો ઉપર કોઈની લગામ નથી અને વિદ્યાર્થીઓના મહત્વના પ્રશ્નો અધ્ધરતાલ લટકી રહ્યા છે. આ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વધુ એક ભોપાળુ સપાટી પર આવ્યુ છે. છાશવારે સત્તાધીશોના ભ્રષ્ટાચાર અને વિદ્યાર્થીઓના શોષણના મુદ્દે ચર્ચાના ચગડોળે ચડતી યુનિવર્સિટીના ઓલ્ડ કોર્ષના વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક મહિનાઓથી માર્કશીટ માટે ધક્કા ખાઈ રહ્યા છે. ઓરીજનલ માર્કશીટ મળી નથી ત્યારે જોબ કે અન્ય સરકારી કામકાજો માટે આવશ્યક માર્કશીટની ડુપ્લીકેટ માર્કશીટ આપવા હજારેક અરજીઓ પેન્ડીંગ હોવાની ફરીયાદો ઉઠી છે. પરીક્ષા નિયામકનો આ મામલે સંપર્ક સાધતા તેમનો ફોન 'નો રીપ્લાય' મળ્યો હતો. વિદ્યાર્થીઓના પ્રશ્ન સાંભળવાવાળુ કોઈ નહિ હોવાનો વસવસો વ્યકત થઈ રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓના જોરે કુદતા સેનેટ-સિન્ડીકેટ મેમ્બરોએ પણ જાગવુ જરૂરી છે.

(4:13 pm IST)