રાજકોટ
News of Tuesday, 26th October 2021

SDMના બંગલો સહિત બે સ્થળે ચોરી : ચોર ગેંગ ઝબ્બે

એરપોર્ટ રોડ વસુંધરા રેસિડેન્સીમાં પરિમલભાઇ પંડ્યાના બંગલોમાંથી ૩.૧૦ લાખની અને વૈશાલીનગરના ઘરમાંથી પોણા લાખની મત્તા ગઇ : વૈશાલીનગરમાં હાથફેરો કર્યા બાદ એસડીએમના ઘરમાં ઘુસ્યાઃ ત્યાં જ ઘરધણી આવી જતાં તસ્કરો ભાગ્યાઃ પોલીસને જાણ થતાં તાબડતોબ દબોચ્યા

રાજકોટ તા. ૨૬: તહેવારના દિવસો નજીક છે ત્યારે ચોરટાઓ મેદાનમાં આવી ગયા છે. બંધ મકાન ભાળતા જ ત્રાટકી જાય છે. દરમિયાન શહેરમાં અગાઉ એસડીએમ તરીકે ફરજ બજાવી ચુકેલા અધિકારીના એરપોર્ટ રોડ પર આવેલા બંગલામાં તથા રૈયા રોડ વૈશાલીનગરમાં બે મકાનમાં ત્રાટકી તસ્કરો લાખોની મત્તા ઉસેડી ગયા હતાં. જેમાં વૈશાલીનગરના મકાનમાં હાથફેરો કર્યા બાદ એરપોર્ટ રોડ પરના બંગલામાં આ તસ્કરો ત્રાટકયા હતાં એ વખતે જ ઘરધણી આવી જતાં ચોર વંડી કૂદીને ભાગી ગયા હતાં. પોલીસને જાણ થતાં તાબડતોડ દોડધામ કરી ચોર ગેંગને સકંજામાં લઇ લીધાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ બે દિવસ પહેલા રૈયા રોડ પર વૈશાલીનગરમાં વહેલી સવારે એક બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં અને પોણા લાખ જેવી મત્તા ઉસેડી લીધી હતી. એ પછી એરપોર્ટ રોડ પર રહેણાંક ધરાવતાં અને અગાઉ રાજકોટમાં એસડીએમ તરીકે ફરજ બજાવી ચુકેલા અધિકારીના ઘરમાં આ તસ્કરો ત્રાટકયા હતાં અને સોના ચાંદીના દાગીના, રોકડ મળી રૂ. ૩,૧૦,૦૦૦ની માલમત્તા ચોરી લીધી હતી.  ચોર ઘરમાં હતાં ત્યારે જ ઘરધણી આવી જતાં ત્રણ ચોર ગેલેરીમાંથી કૂદીને બહાર ભાગ્યા હતાં. જેમાં એક હનુમાન મઢી તરફના રસ્તે અને બે બાજુની શેરીમાં ભાગ્યા હતાં. પોલીસને આ બનાવની જાણ થતાં પોલીસે ત્રણ જેટલા નેપાળ તરફના જણાતા તસ્કરોને દબોચી લઇ ગુનો ડિટેકટ કરવા વિશેષ પુછતાછ હાથ ધરી છે.

ચોરીના બનાવ અંગે એરપોર્ટ રોડ પર વસુંધરા રેસિડેન્સી બંગલો નં. ૯૩માં રહેતાં કિરણબેન પરીમલભાઇ પંડ્યા (ઉ.વ.૫૨)એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે પોલીસને જણાવ્યું છે કે પોતે અને ઘરના બધા સભ્યો તા. ૨૩/૧૦ના સવારે સુરત ગયા હતાં. બીજા દિવસે ૨૪/૧૦ના સવારે પોણા છ વાગ્યા આસપાસ બધા પાછા ઘરે આવ્યા ત્યારે મુખ્ય દરવાજાનું લોક અને નકુચો તૂટેલા હતાં. અંદર જઇ તપાસ કરતાં પહેલા માળેથી કોઇ વસ્તુ પડવાનો અવાજ થતાં કોણ છે? એવું પુછતાં જ પહેલા માળની ગેલેરીમાંથી એક અજાણ્યો શખ્સ કુદીને ભાગ્યો હતો. બીજા બે જણા પણ હતાં. આ બે બાજુની શેરીમાંથી અને ત્રીજો હનુમાન મઢી તરફના રસ્તે ભાગી ગયો હતો.

રૂમમાં જઇ તપાસ કરતાં ત્રણેય કબાટ ખુલ્લા હતાં અને તેમાંથી સોનાનો હાર ૬૦ હજારનો, સોનાનું મંગળસુત્ર ૬૦ હજારનું, સોનાની બંગળી બે તોલાની, સોનાની બુટી ૩૦ હજારની, સોનાની ચાર વીંટી ૬૦ હજારની, ચાંદીનો જુડો, ઝાંઝર, છડા મળી રૂ. ૧૦હ જારના દાગીના, રોકડા રૂ. ૩૦ હજાર ચોરી થયાનું જણાયું હતું. કુલ રૂ. ૩,૧૦,૦૦૦ની મત્તા ચોરી થઇ ગઇ હતી.

ચોર નજર સામે જ ભાગ્યા હોઇ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસની ટીમ એકશનમાં આવી ગઇ હતી અને ત્રણથી ચાર તસ્કરોની ટોળકીને દબોચી લેવામાં સફળતા મળી છે. નેપાળ તરફની મનાતી આ તસ્કર ટોળકીએ અધિકારીના બંગલોમાં ત્રાટકયા પહેલા વૈશાલીનગરના મકાનમાંથી હાથફેરો કર્યાનું સામે આવ્યું હોઇ ટોળકીની વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવી છે.

(3:22 pm IST)