રાજકોટ
News of Tuesday, 26th October 2021

વાહ... રાજકોટ વાહ...

પ્રથમ ડોઝનો ૧૦૦ ટકાનો લક્ષ્યાંક સિધ્ધ

પ્રથમ ડોઝમાં ૧૧,૪૨,૮૨૧ તથા બીજા ડોઝ ૬,૫૭,૪૬૧ નાગરિકોએ લીધો : મેયર અને મ્યુ. કમિશનર સહિતના પદાધિકારીઓ - અધિકારીઓ દ્વારા આરોગ્ય સ્ટાફનું સન્માન કરાયું : આરોગ્ય શાખાના કર્મચારીઓએ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાજકોટને જ પોતાનો પરિવાર ગણી કોવિડ મહામારી દરમિયાન અને પછી વેકિસનેશનમાં નિષ્ઠાપૂર્વક કરેલી કામગીરી અભિનંદનને પાત્ર છે : ડો. પ્રદિપ ડવ : રાજકોટમાં બહારથી આવતા જતા લોકોની ફલોટીંગ વસતિને પણ પ્રથમ ડોઝમાં આવરી લેવાશે અને બીજા ડોઝમાં એલિજિબલ થતા લોકોને પણ ક્રમશઃ આવરી લેવાશે : અમિત અરોરા

રાજકોટમાં વેકિસનેશનના પ્રથમ ડોઝનો લક્ષ્યાંક પૂર્ણ થતા મેયર પ્રદિપ ડવ, ડે.મેયર ડો. દર્શિતાબેન, શાશક નેતા વિનુભાઇ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા મ્યુ. કમિશનર અમિત અરોરા સહિતના પદાધિકારીઓ - અધિકારીઓએ પદાધિકારીઓના હસ્તે આરોગ્ય સ્ટાફને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા હતા અને મીઠાઇ ખવડાવી મ્હોં મીઠું કરાવાયું હતું તે વખતની તસ્વીર (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૬ : મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને કોરોના મહામારીથી સુરક્ષિત કરવાના પ્રયાસોના ભાગરૂપે ગત જાન્યુઆરી-૨૦૨૧થી શરૂ થયેલા વેકિસનેશન અભિયાનમાં વેકિસનના પ્રથમ ડોઝનો ૧૦૦ ટકાનો લક્ષ્યાંક આજે તા.૨૬નાં રોજ સિદ્ઘ થયેલ છે. આ અવસરે મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાયેલ એક સમારોહમાં પદાધિકારીઓ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાની ઉપસ્થિતિમાં આરોગ્ય શાખાના તબીબો અને તેમની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. મેયર અને પદાધિકારીઓએ સૌને પુષ્પગુચ્છ અર્પણ કરી મીઠાઈ ખવડાવી તેમને અભિનંદન પાઠવ્યા હતાં. આ પ્રસંગે ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, શાસક પક્ષનાં નેતા વિનુભાઈ ઘવા, દંડક  સુરેન્દ્રસિંહ વાળા અને આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશ્વરીબેન ડોડિયા તેમજ ડેપ્યુટી કમિશનર આશિષ કુમાર, આરોગ્ય અધિકારી ડો. લલિત વાંઝા, નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ, ડો. મનીષ ચુનારા, ડો. ભૂમિબેન કમાણી, ડો. હાર્દિક મહેતા, ડો. મિલન પંડ્યા અને તમામ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો વગેરે ઉપસ્થિત રહયા હતાં.

આ પ્રસંગે મેયર ડો. પ્રદિપ ડવે એમ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ દેશમાં તમામ લોકોને વિનામૂલ્યે વેકિસન આપવાનું જે મહાઅભિયાન લોન્ચ કર્યું હતું તેમાં રાજકોટ શહેરે પણ પોતાનું ૧૦૦ ટકા યોગદાન આપ્યું છે તે ખુબ જ આનંદ અને ગૌરવની વાત છે. આજે રાજકોટ શહેરમાં ૧૧,૪૨,૦૯૩ લોકોને વેકિસન આપવાનો લક્ષ્યાંક ૧૦૦ ટકા સિદ્ઘ થયો છે ત્યારે આજનો દિવસ ગૌરવપૂર્ણ છે. રાજકોટ મહાનગરપાલિકાની આ સિધ્ધિ માટે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ફાળે જાય છે અને આ માટે સમગ્ર રાજકોટ વતી હું તેઓ સૌને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. વેકિસનેશન અભિયાન એક ખુબ જ કપરૂ કામ હતું અને તેમાં કેન્દ્ર સરકાર અને રાજય સરકારનાં સહયોગથી આ સીમાચિહ્રન હાંસલ થયું છે. તેમાં આરોગ્ય કર્મચારીઓ અને અધિકારીઓએ પોતાના પરિવારની પણ ચિંતા કર્યા આખા રાજકોટ શહેરને જ પોતાનો પરિવાર ગણી તમામ લોકોને વેકિસનના પ્રથમ ડોઝમાં આવરી લેવાનું ભગીરથ કાર્ય પૂર્ણ કરેલ છે તે ખુબ જ ધન્યવાદને પાત્ર છે. રાજકોટ મહાનગરપાલિકાએ ગત માસમાં માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે વેકિસનેશન મહાભિયાનમાં ૨૪ કલાક સુધી કામગીરી કરી ૪૫,૦૦૦ થી વધુ લોકોને વેકિસનેશન આપવામાં આવી હતી. હાલ બીજા ડોઝની ૮૬ ટકા કામગીરી પૂર્ણ થયેલ છે. પ્રથમ ડોઝ લઈ લીધો હોય અને જેમને ૮૪ દિવસ પુરા થતા જાય છે તેમ તેમ તેઓને પણ ૧૦૦ ટકા વેકિસનેશનમાં આવરી લેવામાં આવશે.

આ તકે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ એમ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાએ પદાધિકારીઓનાં માર્ગદર્શન અને સાથસહકાર સાથે વેકિસનનાં પ્રથમ ડોઝની ૧૦૦ ટકા કામગીરીનો સીમાચિહ્રન આજે પ્રાપ્ત કરેલ છે એ બદલ પદાધિકારીઓ અને આરોગ્ય સ્ટાફગણનાં તમામ તબીબો, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય સહાયક કર્મચારીઓ અને અધિકારીઓ અભિનંદનનાં હક્કદાર બન્યા છે. હું અહી એ યાદ અપાવવા ઈચ્છું છું કે, ૨૪ કલાકનું વેકિસનેશન મહાભિયાન હાથ ધરાયું ત્યારે મેયરશ્રી રાત્રે સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે રૂબરૂ આવ્યા હતાં અને અન્ય પદાધિકારીઓ તથા કોર્પોરેટરો પણ એટલા જ સક્રિય રહેતા ૪૫,૦૦૦ થી વધારે લોકોને વેકિસનેશનમાં આવરી લેવામાં મહાનગરપાલિકાને સફળતા મળી હતી. રાજકોટમાં આજે પ્રથમ ડોઝની ૧૦૦ કામગીરી પૂર્ણ કરાયેલ છે જોકે આ ટકાવારીમાં વધારો થશે કેમ કે, બહારગામથી રાજકોટ આવતાજતા લોકોને પણ વેકિસન આપવામાં આવી રહી છે. રાજકોટમાં વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓનાં સહયોગથી ૮૦ થી વધારે વેકિસનેશન કેમ્પ યોજવામાં આવેલ હતાં. હાલ બીજો આપવાની કામગીરી પણ ચાલી રહી છે અને તેમાં જે લોકોના ૮૪ દિવસ પૂર્ણ થતા જાય તેમ તેમ તેઓને વેકિસન આપવામાં આવી રહી છે. અત્યારે બીજા ડોઝની ૮૬ ટકા કામગીરી પૂર્ણ થઇ ચુકી છે. આરોગ્ય શાખાના સ્ટાફે તેમજ અન્ય સાથી સ્ટાફે રજા લીધા વગર કોરોના મહામારી વખતે અને વેકિસનેશનમાં પણ શ્રેષ્ઠ કામગીરી કરી છે.

આ સન્માન સમારોહમાં મેયરશ્રી સહિતના પદાધિકારીઓનાં હસ્તે આરોગ્ય સ્ટાફને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા હતાં અને મીઠાઈ ખવડાવી મ્હોં મીઠું કરાવાયું હતું.

(3:21 pm IST)