રાજકોટ
News of Tuesday, 26th October 2021

બળદ વચ્ચે આવતાં બાઇક અથડાતાં લાખાપરના જગદીશભાઇ વરૂનું મોત

એરપોર્ટ પોલીસે દારૂની બોટલો સાથે જગદીશભાઇને નહિ પણ રાજકોટના ચુનારાવાડની મહિલા કાજલ રાઠોડને પકડી હતી

રાજકોટ તા. ૨૬: સરધારના લાખાપર ગામમાં રહેતાં યુવાન જગદીશભાઇ વેજાભાઇ વરૂ (ઉ.વ.૩૨)ને લાખાપર ગામમાં વાડીએ જવાના રસ્તા પર અકસ્માત નડતાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ૨૦/૧૦ના રોજ જગદીશભાઇ વરૂ પોતાનું બાઇક હંકારીને જતાં હતાં ત્યારે ઓચીંતો બળદ રસ્તા પર આવી જતાં તેની સાથે બાઇક અથડાતાં ગંભીર ઇજા થઇ હતી અને રાજકોટમાં સારવાર દરમિયાન તેમનું શનિવારે ૨૩/૧૦ના રોજ મૃત્યુ નિપજ્યું હતું.

જગદીશભાઇને માથામાં ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. ત્યાંથી ફરીવાર સિવિલમાં લાવવામાં આવ્યા હતાં. અહિ રાત્રીના દમ તોડી દેતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. જગદીશભાઇ બે બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતાં. તેઓ પશુપાલન કરી ગુજરાન ચલાવતાં હતાં. તેમના મૃત્યુથી એક પુત્રી અને ત્રણ પુત્ર મળી ચાર સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. આ બનાવમાં આજીડેમ પોલીસ મથકના વી. બી. સુખાનંદીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

દરમિયાન 'અકિલા'ની વેબ આવૃતિમાં રવિવારે એક સમાચારમાં બામણબોર નજીકથી એરપોર્ટ પોલીસે પાંચ બોટલ દારૂ સાથે લાખાપરના જગદીશ વરૂની ધરપકડ કરી એ પ્રકારનું લખાણ પ્રસિધ્ધ થયું હતું. હકિકતે એરપોર્ટ પોલીસે લાખાપરના જગદીશભાઇને નહિ પરંતુ રાજકોટના ચુનારાવાડની કાજલબેન જીજ્ઞેશ રાઠોડને રૂ. ૨૫૦૦ના પાંચ બોટલ દારૂ સાથે પકડી હતી. જગદીશભાઇ અકસ્માતમાં મૃત્યુ પામ્યાની સ્પષ્ટતા તેમના સ્વજન મનુભાઇ રેવાભાઇ રાતડીયાએ કરી છે.

(3:12 pm IST)