રાજકોટ
News of Tuesday, 26th October 2021

ગોંડલ ચોકડી પાસે 'હિટ એન્ડ રન': ટ્રકે એકટીવાને ઠોકર મારતા સપ્પનનું મોત

ઓરીસ્સાનો યુવાન એકટીવા લઇ ઘરે જતો 'તોઃ ચાલક ટ્રક લઇ ભાગી ગયો

રાજકોટ તા. ર૬ : ગોંડલ ચોકડી નજીક સર્વિસ રોડ પર 'હિટ એન્ડ રન'ની ઘટનામાં ટ્રકે એકટીવાને હડફેટે લેતા ઓરીસ્સાના યુવાનનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ આજીડેમ નજીક અનમોલ પાર્કમાં રહેત સપ્પન શ્રીકાંતભાઇ જેના (ઉ.ર૦) આજીડેમ નજીક અમુલ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં કામ કરતો હોઇ, તેથી ગઇકાલે કામેથી છૂટી એકટીવા લઇને પોતાના ઘરે જતો હતો. ત્યારે ગોંડલ ચોકડી પાસે સર્વિસ રોડ પર કોઇ અજાણ્યા ટ્રકના ચાલકે પુરઝડપે આવી એકટીવાને હડેટે લેતા પરપ્રાંતિય યુવાન ફંગોળાઇ જતા તેને માથા તથા શરીરે ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત સર્જી ચાલક ટ્રક લઇને ભાગી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજયું હોવાનું  જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ મહેન્દ્રભાઇ તથા રાઇટર ધર્મેન્દ્રભાઇ ગઢવીએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

(3:11 pm IST)