રાજકોટ
News of Tuesday, 26th October 2021

બહેન-બનેવીને દત્તક આપેલ પુત્રીનો કબજો માતાને સોંપી આપવા અદાલતનો આદેશ

રાજકોટ, તા.૨૬: બહેન બનેવીને દત્તક આપેલ પુત્રી ફરી માતાને સોંપી આપવાનો ગાર્ડીયનના કેસમાં અદાલતે હુકમ કર્યો હતો.

મુંબઇ મુકામે રહેતી પરણીતા સુમન બાવનેના લગ્ન ૨૦૦૩ની સાલમાં મહારાષ્ટ્ર ખાતે રહેતા તુકારામ બાવને સાથે થયેલ હતા અને આ લગ્ન જીવનથી તેઓ બે પુત્રીઓનો જન્મ થજયેલ હતો અને આ પછી પરણીતાના બહેન બનેવી કે જે રાજકોટ રહેતા હોઇ તેને કોઇ સંતાન ન હોઇ પરીણીતાએ પોતાની નાની પુત્રી તેને દતક આપેલ હતી અને પરણીતાની બહેન સગીર પુત્રીનો ઉછેર કરતી હતી.

આ પછી પરણીતાના પતિનું અવસાન થતાં પરણીતાને મુંબઇ મુકામે તેની પાછળ રહેમ રાહે સરકારી નોકરી મળેલ હતી અને પોતાની એક પુત્રી સાથે તે મુંબઇ રહેતી હતી અને રાજકોટ બહેનને દતક આપેલ પુત્રીની ફોનથી તથા રૂબરૂ આવી અને સાર સંભાળ રાખતી હતી.

આ પછી એપ્રિલ ૨૦૨૧માં તેની બહેન કે જેને પરણીતાએ પોતાની પુત્રી દતક આપેલ હતી તેનું અવસાન થતાં પુત્રીની સાર સંભાળ રાખવાવાળું કોઇ સ્ત્રી સભ્ય ઘરમાં ન રહેતા પુત્રી ના ઉછેર મા હાલનાકી પડતી હોઇ પરણીતાએ અરજદાર બની અને રાજકોટની ફેમીલી કોર્ટમાં ગાર્ડીયન એન્ડ વોડઝ એકટ તળે દતક પુત્રીનો કબજો ફરી પોતાને આપી દેવામાં આવે તેવી દાદ માંગતી અરજી પોતાના વકીલ શ્રી અંતાણી મારફતે કરેલ હતી.

આ અરજીની વિગતે સગીર પુત્રી સંતાન સ્ત્રી સંતાન છે તેને અમુક સમયે સાર સંભાળ રાખવા એક સ્ત્રીની જરૂરત રહે તે સ્વાભાવીક વાત છે હાલે સગીર સંતાન બનેવી સાથે રહે છે વળી પોતાના બનેવી કે જેને સંતાન દતક આપેલ હતી તેની આવક પણ ખુબ ઓછી હોઇ સગીરનું કલ્યાણ હવે દતક લેનાર બનેવી કરતા પોતાની પાસે વધારે સારૂ હોઇ અને હાલના કાયદામાં સગીરનું કલ્યાણ જ મહત્વની બાબત હોઇ સગીરનો કબજો ફરી પોતાને એટલે કે સગી જનેતાને આપી દેવાની માંગ કરી હતી.

આ અરજી ચાલી જતાં શ્રી અંતાણીની તમામ દલીલોથી સહમત થઇ રાજકોટની ફેમીલી કોર્ટે બહેન બનેવીને દતક આપેલ સંતાન ફરી જન્મદાત્રી માતાને સોંપી આપવાનો હુકમ ફરમાવેલ હતો. ઉપરોકત કેસમાં અરજદાર વતી એડવોકેટશ્રી સંદીપ કે.અંતાણી, સમીમબેન કુરશેશી, તથા શીતલબેન ત્રીવેદી વકીલ તરીકે રોકાયેલ હતા.

(3:06 pm IST)