રાજકોટ
News of Tuesday, 26th October 2021

દિવાળી તહેવાર અનુલક્ષી રાત્રીનો ૧૨ વાગ્યાનો કર્ફયુ હટાવી લોઃ મોડી રાત સુધી વેપાર-ધંધાની છૂટ આપો

સોની યુવા સોશ્યલ ટ્રસ્ટે રાત્રીના કર્ફયુ-વેપાર ધંધા અંગે કલેકટર તંત્રને રજૂઆતો કરી હતી

રાજકોટ, તા. ૨૬ :. સોની યુવા સોશ્યલ ટ્રસ્ટે કલેકટરને આવેદન પાઠવી મુંબઈ-મહારાષ્ટ્ર સરકારે સંપૂર્ણ 'અનલોક' જાહેર કર્યુ તેમ ગુજરાત સરકાર પણ રાત્રી કર્ફયુ સંપૂર્ણ હટાવી રાત્રીના દુકાનોને મોલોને મોડી રાત સુધી તથા વેપારીઓને વેપાર-ધંધા કરવાની છૂટ આપી દીપાવલીની ભેટ આપે તેવી માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેરાયુ હતુ કે, જ્યારે ગુજરાત રાજ્યમાં કોરોનાના નહીં બરાબર કેસો જ છે. રસીકરણમાં પણ ગુજરાત રાજ્ય મોખરે છે. જનતા સ્વયંભુ કોવિડ-મહામારીને અનુલક્ષીને માસ્ક સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરી રહી છે ત્યારે ખાસ કરીને દીપાવલીના તહેવારોને અનુલક્ષીને રાત્રીના ૧૨ વાગ્યાનો કર્ફયુ તત્કાલ હટાવી લેવામાં આવે, રાજ્યમાં તમામ શોપીંગ-મોલ્સ તથા તમામ વેપારીઓને મોડી રાત સુધી વેપાર-ધંધા કરવાની છૂટ આપવામાં આવે તથા ખાસ કરીને નાના ધંધાર્થીઓ જે તહેવારોમાં સારો વેપાર કરી શકે અને જનતા પણ મોકળા મને ખરીદી કરીને પોતાને અનુકુળ સમયનો ઉપયોગ કરી શકે અને તેથી સમગ્ર રાજ્યમાં વેપાર-ધંધા અને આર્થિક પરિસ્થિતિમાં મજબુતાઈ આવે તે હેતુથી ઉપરોકત બાબતે સરકાર શ્રી પ્રજા હીતમાં સાનુકુળ નિર્ણય લે તેવી માંગણી છે.

આવેદન દેવામાં જીજ્ઞેશ વાગડીયા, શૈલૈષભાઈ પાટડીયા, કેતનભાઈ પાટડીયા, નિલેશભાઈ જડીયા, નયનભાઈ કોઠારી એડવોકેટ, રવિકાન્તભાઈ વાગડીયા, ભાવીનભાઈ વાગડીયા, પ્રશાંતભાઈ વાગડીયા, પરેશભાઈ પાટડીયા વિગેરે જોડાયા હતા.

(3:06 pm IST)