રાજકોટ
News of Tuesday, 26th October 2021

મગફળીની આવક વિપુલ પ્રમાણમાં હોય હરરાજીની ખરીદી ત્વરીત કરાવો

પ્રદેશ ભાજપ અગ્રણી ચેતન રામાણીની મુખ્યમંત્રીને રજુઆત

રાજકોટ તા. ૨૬ : રાજયમાં સારા વરસાદથી મગફળીના ઉત્પાદનમાં સિંહફાળો નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળીનું વિપુલ ઉત્પાદન થયુ છે. માર્કેટયાર્ડોમાં રોજની એક લાખથી વધુ ગુણીની આવક થઇ રહી છે. લાંબી કતારો લાગી રહી છે. પરિણામે માર્કેટ યાર્ડો અમુક નિરધારીત સમય માટે બંધ કરવા પડી રહ્યા છે.

આવી પરિસ્થિતિ ધ્યાને લઇ તાત્કાલીક અસરથી સરકાર ટેકાના ભાવે હરરાજીથી ખરીદી શરૂ કરાવે તો ખેડુતોને રાહત મળશે. તેમ પ્રદેશ ભાજપ અગ્રણી અને ખેડુત નેતા ચેતન રામાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆતમાં જણાવેલ છે.

તેમણે જણાવ્યુ છે કે ટેકાના ભાવે લાભ પાંચમ પહેલા જ શરૂઆત કરાય તો મહત્વપૂર્ણ ફાયદો રહેશે. યાર્ડોમાંથી પણ જાવક સ્ટોકમાં નોંધપાત્ર ઘટાડો આવી શકે. હાલ કમોસમી વરસાદ પડયો હોય ખેડુતોને પડતી મુશ્કેલીનું સમાધાન પણ લાવવુ જરૂરી હોવાનું અંતમાં ચેતન રામાણીએ જણાવેલ છે.

(3:01 pm IST)