રાજકોટ
News of Monday, 26th October 2020

રૈયા રોડ વોર્ડ નં. ૯ની ઓફિસે કોરોનાનો રિપોર્ટ કરાવવાનું કહી સફાઇ કામદાર મહિલા પર હુમલો

ત્રણ દિવસ પહેલા જ રિપોર્ટ કરાવ્યો તેમ કહેતાં ઉશ્કેરાઇ જઇ ડખ્ખો કર્યો : સુપરવાઇઝર રાજુ રાઠોડે ધોલધપાટ કરીઃ માતાને બચાવવા વચ્ચે પડેલા પુત્ર બેચરને પણ ઇજા

રાજકોટ તા. ૨૬: રૈયાધાર પર હેતાં અને વોર્ડ નં. ૯માં કોન્ટ્રાકટ બેઝ પર સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં મધુબેન બટુકભાઇ રાઠોડ (ઉ.વ.૫૦) રૈયા રોડ પેરેડાઇઝ હોલ પાસે આવેલી વોર્ડ નં. ૯ની ઓફિસ પાસે હતાં ત્યારે સુપરવાઇઝર રાજુભાઇ રાઠોડે ઝઘડો કરી ઢીકા-પાટુનો માર મારતાં સારવાર માટે દાખલ થયા છે. માતાને બચાવવા વચ્ચે પડેલા પુત્ર બેચરભાઇ બટુકભાઇ રાઠોડ (ઉ.વ.૩૫)ને પણ મારકુટ કરવામાં આવી હતી.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. મધુબેનના કહેવા મુજબ પોતે વોર્ડ ઓફિસે હતાં ત્યારે સુપરવાઇઝરે કોરોનાનો રિપોર્ટ કરાવી લાવવાનું કહ્યું હતું. પણ હજુ ત્રણ દિવસ પહેલા જ રિપોર્ટ કરાવ્યો હતો તેમ તેને જણાવતાં તે ઉશ્કેરાઇ ગયેલ અને મારકુટ કરી લીધી હતી. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. મધુબેનના પુત્રએ પણ સિવિલમાં સારવાર લીધી હતી.

(2:43 pm IST)