રાજકોટ
News of Saturday, 26th September 2020

લોકડાઉનમાં બીડી ન મળતાં વ્યસન છોડી દીધુ'તું પણ ત્યારથી સતત બિમાર રહેતાં કમલેશભાઇનું મોત

કેવડાવાડીના કુંભાર આધેડની તબિયત બગડ્યા બાદ હોસ્પિટલમાં દમ તોડ્યો : જંકશનની ફૂટપાથ રહેતાં સુનિલભાઇનું નશો કરવાની આદતને કારણે મોત

રાજકોટ તા. ૨૬: કોરોનાને કારણે આવેલા લોકડાઉનમાં અનેક વ્યસનીઓ હેરાન પરેશાન થઇ ગયા હતાં. કેટલાકના વ્યસન છુટી ગયા હતાં તો કેટલાકે કાળાબજારમાં પૈસા ચુકવી વ્યસન ચાલુ રાખ્યા હતાં. કેવડાવાડી-૨૨માં રહેતાં કમલેશભાઇ રવજીભાઇ દેવગણીયા (કુંભાર) (ઉ.વ.૪૫)એ લોકડાઉનમાં વર્ષો જુનુ બીડી પીવાનું વ્યસન ત્યજી દીધું હતું. પરંતુ ત્યારથી સતત બિમાર રહેતાં હોઇ ગઇકાલે તબિયત બગડી જતાં મોત નિપજ્યું હતું.

કમલેશભાઇ સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. દેવરાજભાઇ નાટડાએ ભકિતનગર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર બે ભાઇમાં નાના અને કુંવારા હતાં. તેઓ મોટા ભાઇ લક્ષમણભાઇની સાથે ઉપરના રૂમમાં રહેતાં હતાં. લક્ષમણભાઇએ જણાવ્યું હતું કે કમલેશભાઇને વર્ષોથી બીડીનું બંધાણ હતું. પણ લોકડાઉનમાં બીડી મળતી બંધ થતાં અને કાળાબજારમાં મોંઘી પડતી હોઇ તેણે બીડી પીવાનું છોડી દીધું હતું.

ત્યારથી તે અવાર-નવાર બિમાર પડી જતાં હતાં. અમે તેને હવે બીડી મળવા માંડી હોઇ પીવાનું કહેતાં હતાં પણ તેણે  ફરી બીડી પીધી નહોતી. ગઇકાલે અચાનક ઝાડા થઇ ગયા હતાં અને બાદમાં બેભાન જેવા થઇ જતાં હોસ્પિટલે ખસેડ્યા હતાં. પરંતુ સારવાર કારગત નિવડી નહોતી. ભકિતનગર પોલીસે એ.ડી. નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં જંકશન મેઇન રોડ ગુરૂદ્વારા નજીક ફૂટપાથ પર રહેતાં સુનિલભાઇ કાળુભાઇ કામલે (ઉ.વ.૪૫) બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે લાંબા સમયથી દારૂનો નશો કરવાની આદત ધરાવતાં હોઇ કેટલાક સમયથી બિમાર હતાં. તે કારણે મૃત્યુ થયાનું પરિવારજનોએ પોલીસને કહ્યું હતું. પ્ર.નગર પોલીસે એ.ડી. નોંધી હતી.

(1:10 pm IST)