રાજકોટ
News of Saturday, 26th September 2020

રાજકોટની અર્ધો ડઝન કોવિડ-ખાનગી હોસ્પિટલ ઉપર ફુડ એન્ડ ડ્રગના દરોડા

રેમેડેસીવીયર ઇન્જેકશનનો સ્ટોક - નકલી છે કે કેમ - લેવાતા ભાવો સહિતની બાબતે તપાસ હાથ ધરાઇ : ફુડ એન્ડ ડ્રગના અધિકારી વ્યાસ અને તેમની ટીમ ૬ હોસ્પિટલમાં ત્રાટકી : મોડી રાત સુધી તપાસ : હાલ બધુ બરોબર નીકળ્યું : બપોર બાદ આજે પણ દરોડા પડાશે

રાજકોટ તા. ૨૫ : રાજકોટ કલેકટરની સૂચના બાદ ફૂડ એન્ડ ડ્રગ ખાતાની ટીમોએ ગઇકાલ સાંજથી મોડી રાત સુધી રેમેડેસીવીયર ઇન્જેકશનના જથ્થા, ઇન્જેકશન નકલી છે કે કેમ, દર્દીઓ પાસેથી લેવાતા ભાવો, સ્ટોક સહિતની બાબતો અંગે શહેરની ૬ જેટલી ખાનગી કોવિડ હોસ્પિટલમાં દરોડા પાડી તપાસ હાથ ધરતા ખળભળાટ મચી ગયો છે.

કલેકટર અને ફુડ ખાતા બંને પાસે નકલી ઇન્જેકશન અને વધુ ભાવો લેવાતા હોવાની ફરિયાદો બાદ ફૂડ એન્ડ ડ્રગ ખાતાના ડે. કમિશ્નર શ્રી વ્યાસે ૬ ટીમો બનાવી ૬ હોસ્પિટલો ઉપર દરોડાનો દોર શરૂ કર્યો હતો.

જે હોસ્પિટલમાં દરોડા પડાયા - તપાસ થઇ તેમાં ગોકુલ હોસ્પિટલ, પરમ હોસ્પિટલ, સેલેસ હોસ્પિટલ, ઇન્જેકશનના મુખ્ય ડીસ્ટ્રીબ્યુટર સામોના ડીસ્ટ્રીબ્યુટર, દેવ હોસ્પિટલ, શ્રેયસ હોસ્પિટલનો સમાવેશ થાય છે. જો કે તમામ સ્થળે નીલ રીપોર્ટ થયો છે, કશું વાંધાજનક મળ્યું નથી, હાલ સ્ટોક પણ પૂરતો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ ખાતાએ લાલ આંખ કરતા અનેક ખાનગી હોસ્પિટલો શાનમાં સમજી ગઇ છે, ટીમોએ સ્ટોક પૂરતો રાખવા અને દર્દીને કોઇ મુશ્કેલી ન પડે તે જોવા પણ તાકિદ કરી હતી.

(3:17 pm IST)