રાજકોટ
News of Wednesday, 26th September 2018

પોલીસ ભાજપનો હાથો બની રહી છેઃ લોકશાહી ઢબે રજૂઆતના બંધારણીય અધિકાર પર તરાપ ન મારોઃ પોલીસ કમિશ્નર સમક્ષ કોંગ્રેસની રજૂઆત-ધરણા

રાજકોટ, તા. ૨૬ :. આગામી ૩૦મી તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ આવી રહ્યા છે ત્યારે દર વખતની માફક કોંગ્રેસના અગ્રણીઓને વિના કારણ પોલીસ સ્ટેશનમાં ગોંધી દેવામાં ન આવે તેવી માંગણી સાથે આજે શહેર કોંગ્રેસે પોલીસ કમિશ્નરની ચેમ્બર બહાર શાંતિપૂર્ણ ધરણા કરી લેખીત રજૂઆત કરી હતી.

રજૂઆતમાં જણાવાયુ છે કે, લોકશાહી ઢબે શાંતિપૂર્ણ રજૂઆતો અને પ્રશ્નો રજૂ કરવાનો ભારતીય બંધારણમાં અધિકાર અપાયો છે. તેના પર ભાજપનો હાથો બની પોલીસ તરાપ ન મારે. તાજેતરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે અપાયેલ બંધ વખતે આગેવાનોને સવારના પહોરમાં જ ઘર-ઓફીસ પાસેથી ઉઠાવી પોલીસ સ્ટેશનમાં ગોંધી દેવાયા હતા. બંધારણ મુજબ નજરબંધ કરો તો લેખીત નોટીસ આપી કારણ આપવાનું રહે છે જે રાજકોટ પોલીસ નથી કરતી. તાજેતરમાં કાર્યકારી પ્રમુખની અટકાયતમાં પણ પોલીસે ખોટુ કર્યુ હતું.

સાથોસાથ અમો કેટલીક સ્પષ્ટતા માંગીએ છીએ. ૨૦૦૭માં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ રાજકોટ આવ્યા ત્યારે પોલીસે ભાજપના કેટલા આગેવાનોની અગાઉ ધરપકડ કરી હતી ? ૨૦૦૯ અને ૨૦૧૭માં રાહુલ ગાંધી આવ્યા ત્યારે અને ૨૦૧૨માં તત્કાલીન રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધી રાજકોટ આવ્યા ત્યારે તમારી પોલીસે કેટલા ભાજપી આગેવાનોની અટકાયત કરી હતી ?

આગામી ૩૦મી તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ રાજકોટ આવી રહ્યા છે ત્યારે પોલીસ કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરવા એક લીસ્ટ બનાવી રહી છે. તેનો અમે વિરોધ નોંધાવીએ છીએ. કયા કાયદા હેઠળ તમે અને તમારા અધિકારીઓ કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરો છો ? કોઈપણ નાગરીક જ્યાં સુધી શાંતિપૂર્વક દેખાવો કે રજૂઆત કરતા હોય ત્યાં સુધી તેને અટકમાં લેવુ તે ગેરકાયદે છે. જો આ ૩૦મી તારીખે આવા પગલા લેવાયા તો અમારે ના છૂટકે વડી અદાલત પાસે ન્યાય માંગવો પડશે તેમ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત, વશરામભાઈ સાગઠીયા, હેમાંગભાઈ વસાવડા, પ્રદીપ ત્રિવેદી, મિતુલ દોંગા, જસવંતસિંહ ભટ્ટી, દિનેશ ચોવટીયા, મનીષાબા વાળા, જયપાલસિંહ રાઠોડ, ભાવેશ ખાચરીયા, જયકિશનસિંહ ઝાલા, નરેશ સાગઠીયા, રાજેશ આમરણયા, યુનુસ જુનેજા, જીજ્ઞેશ સભાળ, આશિષ વાઢેર, જીજ્ઞેશ વાગડીયાએ રજૂઆત કરી હતી.

(4:40 pm IST)