રાજકોટ
News of Wednesday, 26th September 2018

આઝાદી બાદ સરદાર અને ગાંધીજીને નરેન્દ્રભાઇએ ખરા અર્થમાં યાદ કર્યા : ગોરધનભાઇ

રાજકોટમાં ઇન્ટરનેશનલ મ્યુઝીયમના લોકાર્પણને લઇને રોડ શો જેવો ઉત્સાહ : તૈયારી અર્થે શહેર ભાજપ દ્વારા બેઠકોનો ધમધમાટ

રાજકોટ : પૂ. મહાત્મા ગાંધીજીએ રાજકોટ ખાતે જે શાળામાં અભ્યાસ કર્યો છે તે શાળાને ઇન્ટરનેશનલ કક્ષાના મ્યુઝીયમમાં ફેરવી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ કરવા   રાજકોટમાં આગામી તા.૩૦ ના જાજરમાન કાર્યક્રમ યોજાયો હોય શહેરીજનોમાં રોડ - શો જેવો ઉત્સાહ પ્રવર્તી રહ્યાનું શહેર ભાજપની યાદીમાં જણાવાયુ છે. વડાપ્રધાનના આગમનને વધાવવાની પૂર્વ તૈયારી અર્થે શહેર ભાજપની એક બેઠક પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા, શહેરી પ્રભારી પુષ્પદાનભાઇ ગઢવી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, મોહનભાઇ કુંડારીયા, અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, કિશોર રાઠોડ, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, રાષ્ટ્રીય અનુ.જાતિ મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયા, ઉદય કાનગડ, ભીખાભાઇ વસોયા, અશ્વિન મોલીયાની ઉપસ્થિતીમાં મેયર બંગલા ખાતે મળી હતી. પ્રારંભે સાંધિક ગીત મનીષ ભટ્ટે અને સંચાલન દેવાંગ માંકડે કર્યુ હતુ. અંતમાં આભારવિધિ કિશોર રાઠોડે કરી હતી. આ બેઠકને સંબોધતા ગોરધનભાઇ ઝડફીયા, કમલેશ મિરાણી અને નીતિન ભારદ્વાજે જણાવેલ કે દેશની આઝાદીમાં પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરનાર સરદાર વલ્લભભાઇ પટેલ અને મહાત્મા ગાંધીજીને આઝાદી બાદ કોંગ્રેસે કયારેય યાદ કર્યા નથી. આ મહામાનવને લોકમાનસમાંથી ભુસાય જાય તેવા કોંગ્રેસના પ્રયાસો રહ્યા છે. પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સરદાર વલ્લભભાઇની કાયમી યાદ માટે વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનીટીનું નિર્માણ કરાવ્યુ અને મહાત્મા ગાંધીજીએ જયાં રાજકોટમાં અભ્યાસ કરેલ તે આલ્ફ્રેડ હાઇસ્કુલને ઇન્ટરનેશનલ કક્ષાના મ્યુઝીયમમાં પરીવર્તીત કરી આ બન્ને મહામાનવોના સુખદ સંભારણાને લોકમાનસમાં જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે. આ લોકાર્પણ કાર્યક્રમને લઇને શહેરમાં બેનર, હોર્ડીંગ્સ, ઝંડા લગાવી કેસરીયો માહોલ સર્જવામાં આવી રહ્યો છે. દરમિયાન આવતીકાલે શહેરના તમામ વોર્ડમાં બેઠકો યોજવમાં આવશે. નરેન્દ્રભાઇ મોદીની જાહેર સભામાં ભાજપના કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થકો, વિવિધ સમાજો, સંસ્થાઓ, સાધુ-સંતો જોડાય તે માટે તબકકાવાર બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ બેઠકમાં શહેર ભાજપના હોદેદારો, વોર્ડ પ્રભારી, પ્રમુખ, મહામંત્રીઓ, કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સદસ્યો, મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની સંપૂર્ણ વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળી હતી.

(4:16 pm IST)