રાજકોટ
News of Wednesday, 26th September 2018

વિદ્યાર્થીઓને આઇપેડ આપવાનું કેમ બંધ?: ડો. ચોવટીયા

આરંભે સુરી સરકારે અચાનક સુવિધા કેમ છીનવી લીધી?: પ્રદેશ કોંગ્રેસ અગ્રણીનો મુખ્યમંત્રીને પત્ર

રાજકોટ તા.૨૬: પ્રદેશ કોંગ્રેસ અગ્રણી અને યુવા નેતા ડો. દિનેશ ચોવટીયાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને એક પત્ર લખી વિદ્યાર્થીઓને આઇપેડ આપવાની યોજના શા માટે ખોરંભે પાડી દેવામાં આવી છે તેવા સવાલો કર્યા છે.

તેમણે પત્રમાં લખ્યું છે કે, રાજય સરકારે ૨૦૧૫-૧૬માં વિદ્યાર્થીઓને આઇપેડ આપવાની જાહેરાત કરી હતી. ધોરણ-૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આધુનિક ટેકનોલોજી સાથે કદમ મિલાવી શકે અને ઇન્ટરનેટના માધ્યમથી પોતાના અભ્યાસક્રમ વિશે માહિતી મેળવી શકે તે માટે આઇપેડ એક ઉપયોગી સાધન ગણાય છે. પણ આરંભે શુરાની જેમ પ્રારંભમાં વિદ્યાર્થીઓને આઇપેડ આપ્યા પછી અચાનક આ સુવિધા બંધ કરી દેવામાં આવી છે.

ડો. ચોવટીયાએ લખ્યું છે કે, ચૂંટણી સમયે જેમ મતદારોને વચનોની લ્હાણી કરવામાં આવે છે તેવી રીતે જ વિદ્યાર્થીઓને પણ આઇપેડ આપવાના વચન આપવામાં આવ્યા હતા પરંતુ આ વચનો પૂરતા પાળી શકયા નથી. અનેક વિદ્યાર્થીઓ આ સુવિધા મેળવવા માટે સરકારી કચેરીના ધક્કા ખાય છે પણ કોઇ સંતોષકારક જવાબ મળતો નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે તાકીદે આઇપેડ ફાળવવા જોઇએ તેવી પત્રનાં અંતમાં ડો. દિનેશ ચોવટીયા(મો. ૯૮૨૫૨ ૧૨૫૦૧) એ માંગણી કરી છે.

(4:15 pm IST)