રાજકોટ
News of Wednesday, 26th September 2018

સર્વસંમતિથી રચાનાર લોહાણા મહાજનની સમરસ પેનલ જ શ્રેષ્ઠ કામ કરી શકશેઃ કાશ્મીરાબેન

ગૌરવવંતા લોહાણા સમાજની સાચી ઓળખ સર્વસંમતિથી રચાનાર નામાંકીત ઉમેદવારોની મહાજન સમિતિ જ આપી શકશેઃ રાજુભાઇ પોબારૂ આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે કોઇપણ સમાજનો વિકાસ શકય ન હોવાનું તારણ

રાજકોટ તા. ર૬ : લોહાણા મહાજન રાજકોટની નવી મહાજન સમિતિ (કારોબારી-પેનલ) સંદર્ભે મહાજનના હાલના કાર્યવાહક પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન નથવાણીએ આજરોજ જણાવ્યું હતું કે સર્વાનુમતે તથા સર્વસંમતિથી રચાનાર સમરસ પેનલ જ શ્રેષ્ઠ કામ કરી શકશે.  આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે કે પછી એકબીજા ઉપર કાદવ ઉછાળવાના કૃત્યથી કદી કોઇપણ સમાજનો વિકાસ શકય ન હોવાનું તારણ પણ જણાવ્યું હતું.

કદાચ સમગ્ર વિશ્વમાં લોહાણા સમાજની સૌથી વધુ વસ્તી ધરાવતા રાજકોટ શહેરમાં પરંપરા મુજબ સન્માનનીય જ્ઞાતિશ્રેષ્ઠીઓ ચર્ચા-વિચારણા કરીને સમરસ પેનલની ભેંટ સમાજને આપે તો ચોક્કસપણે સમાજના વિકાસની ગાડી પૂરપાટ ઝડપે દોડવા માંડે તેવું પણ કાશ્મીરાબેને જણાવ્યું હતું. સમરસ થયેલ પેનલનો લાભ સમાજના નાનામાં નાના માણસ સુધી પહોંચનાર હોવાનો પણ તેઓએ વિશ્વાસ વ્યકત કયો હતો.

લોહાણા સમાજ તથા સટ્ટાબજાર રાજકોટના અગ્રણી રાજુભાઇ પોબારૂએ પણ સમરસ પેનલને આવકારી છે. તેઓએ જણાવ્યું હતું કે ગૌરવવંતા લોહાણા સમાજની સાચી ઓળખ સર્વસંમતિથી રચાનાર નામાંકીત ઉમેદવારોની મહાજન સમિતિ જ (પેનલ) આપી શકશે. જ્ઞાતિ ઉત્કર્ષના વિવિધ કામો સમરસ પેનલ સારી રીતે, ઝડપથી અને નિર્વિવાદ કરી શકશે તેવો પણ તેઓએ વિશ્વાસ વ્યકત કર્યો હતો. ચૂંટણીમાં ટાંટીયા ખેંચથી સમાજની આબરૂ ઓછી થતી હોવાનો ઉલ્લેખ પણ તેઓએ કર્યો હતો. સમાજના છેવાડાના માણસ સુધી જ્ઞાતિહિતની પ્રવૃતિઓ પહોંચાડવાનો એકમાત્ર વિકલ્પ સર્વસંમતિ અને સર્વાનુમતે રચાનાર સમરસ પેનલ જ હોવાનું  રાજુભાઇ પોબારૂએ અંતમાં જણાવ્યું હતું.

(4:05 pm IST)