રાજકોટ
News of Wednesday, 26th September 2018

સ્થાનકવાસી જૈન સમાજના રવિવારે યોજાનાર સામુહિક સંઘ જમણના સમયમાં ફેરફાર

૧૨ થી ૧ અને ૧ થી ૨ ને બદલે હવે ૧૧ થી ૧૨ અને ૧૨ થી ૧ ને સમય રહેશેઃ ડુંગર દરબારમાં માનવતા મહોત્સવમાં પધારેલ ભાવિકો માટે ઓઝોન મોલમાં ભોજન વ્યવસ્થા

રાજકોટ,તા.૨૬: માનવતા અને જીવદયાની આહલેક જગાડીને જન જનના હૃદયમાં માનવતાના ભાવોં પુષ્ટ કરનાર રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનો ૪૮મા જન્મોત્સવ નિમિત્તે તા.૩૦ સવારે ૮:૩૦ કલાકે ડુંગર દરબારમાં માનવતા મહોત્સવમાં સમાજોપયોગી અને શાસન હિતના અવનવા કાર્યક્રમો યોજાશે.

આ અવસરે વર્ષમાં માત્ર એક જ વાર યોજાતા રાષ્ટ્રસંત પૂજયશ્રીના નાભિના નાદથી, બ્રહ્મઘોષથી કરાવવામાં આવતાં વિશિષ્ટ પ્રકારનાં શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રના જાપનાં પવિત્ર પરમાણુઓની દિવ્યતાને અનુભવી સર્વ ભાવિકો ધન્ય બનશે. વિશેષમાં સમાજ સેવામાં અગ્રેસર એવી ૪૮ સંસ્થાઓને રૂ.૪૮,૦૦૦નું  અનુદાન આપવામાં આવશે. તેમજ, સિવિલ હોસ્પિટલ તથા લાઈફ સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશેષમાં, માનવતા મહોત્સવના અપૂર્વ અવસરે તા.૩૦ રવિવારના પૂણ્યાશ્રાવક નગરી રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાજકોટના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ઐતિહાસિક સમસ્ત રાજકોટના સ્થાનકવાસી જૈન સંઘોનું ''સામુહિક સ્વામિવાત્સલ્ય સંઘ જમણ'' યોજાશે. જેમાં ૧૨ થી  ૧ અને ૧ થી ૨ એમ બે સમયગાળાને બદલે હવે ૧૧ થી ૧૨ અને ૧૨ થી ૧ એમ સમય મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટમાં  એ જ દિવસે  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કાર્યક્રમ હોવાથી રેસકોર્સનો એ રૂટ ૨ કલાકે બંધ થવાનો છે તેથી ભાવિકોને ૧૧ થી૧ કલાક દરમ્યાન ભોજન ગ્રહણ કરવા વિનંતિ.

આટલી વિશાળ સંખ્યામાં ભાવિકોની વ્યવસ્થાના ભાગ રૂપે માનવતા મહોત્સવ, ડુંગર દરબારમાં પધારેલ ભાવિકો માટે સામૂહિક સંઘ જમણના ભોજનની વ્યવસ્થા ડુંગર દરબારની નજીકના ઓઝોન મોલમાં બપોરે ૨ કલાક પછી રાખવામાં આવી છે. ૨ પહેલા ત્યાં ભોજન વ્યવસ્થા થઇ શકશે નહીં, સર્વને કાર્યક્રમોમાં પધારવા માટે શ્રી સંઘ અંતરના ભાવોંથી આમંત્રણ પાઠવ્યું છે.(૩૦.૪)

(12:02 pm IST)