રાજકોટ
News of Wednesday, 26th September 2018

શાસન માટે તરફડતી કોંગ્રેસ જ્ઞાતિ-જાતિ અને ખેડુતોના નામે રોટલા શેકે છે : ગોરધનભાઇ ઝડફીયા

નરેન્દ્રભાઇના રાજકોટ આગમનને વધાવવા રાજકોટ જિલ્લા ભાજપની જોરદાર તૈયારી : કાર્યાલયે મળી ગયેલ માર્ગાદર્શક બેઠક : જિલ્લામાંથી ૧૫૦૦૦ લોકો જોડાશે

રાજકોટ : ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા ભાજપની એક બેઠક કાર્યાલયે જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતાની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા, કેબીનેટમંત્રી જયેશભાઇ રાદડીયા, જિલ્લા મહામંત્રી જયંતિભાઇ ઢોલ, ડો. ભરતભાઇ બોઘરા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, સહકારી આગેવાનો હરદેવસિંહ જાડેજા, ગોવિંદભાઇ રાણપરીયા સહીત જિલ્લાના હોદેદારો તેમજ તાલુકાના પ્રમુખ-મહામંત્રીઓ અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ગોરધનભાઇ ઝડફીયાએ તા.૩૦ ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના રાજકોટના આગમન સમયના કાર્યક્રમોની માહીતીની રૂપરેખા વર્ણવી બેઠક સંબોધતા જણાવેલ કે કોંગ્રેસ સત્તા વગર તરફડીયા મારી રહી છે. એટલે પ્રજામાં જ્ઞાતિ-જાતિના નામે વર્ગ વિગ્રહ કરાવી ખેડુતોના નામે રોટલા શેકવા નીકળી છે. કોંગ્રેસના શાસનમાં વીજળી, લાઇટ, પાણી જેવી સામાન્ય સુવિધાઓ પ્રજાને કે ખેડુતોને મળતી નથી. પાક વીમા માટે ખેડુતોએ અનેક વખત આંદોલનો કર્યા હતા. જેમાં અનેક ખેડુતો ગોળીનો ભોગ બનીને મૃત્યુ પામ્યાના અનેક બનાવો બન્યા છે. ત્યારે કોંગ્રેસ કયા મોઢે ખેડુતોના હીતની વાત કરે છે. જયારે ભાજપના શાસનમાં આજે ૧૬-૧૬ કલાક ખેડુતોને વીજળી, પાક માટે નર્મદાના પાણી, ખેડુતોને ટેકાના ભાવ, વ્યાજ માફી, સમયે સમયે ખેડુતોને પૂરતું પાણી આપી ખેતી અને ખેડુતોનું રક્ષણ ભાજપા સરકારે કર્યુ છે ખેડુતોની પૂરી ખેવના કરી છે. આ તકે કાર્યક્રમોની જાણકારી આપતા ગોરધનભાઇએ જણાવેલ કે તા.૩૦ મીએ વડાપ્રધાનશ્રીના રાજકોટના કાર્યક્રમમાં રાજકોટ જિલ્લામાંથી ૧૫૦૦૦ લોકો સ્વયંભુ ઉમટી પડશે. આ માટે વ્યવસ્થાનું ચિતન મનન કરવામાં આવેલ.  તા. ૨ ઓકટોબરે ગાંધીજીની ૧૫૦ મી જયંતિના ઉપક્રમે તાલુકા મથકોએ ૧૫૦ કિ.મી.ની યાત્રા ૧૫૦ ગામમાં પદયાત્રા કરીને ગાંધીજીનું જીવન કવન અને તમામ ગામોમાં કાર્યકર્તા અને પ્રજાના સહકારના સેતુથી ગામ સફાઇ અભિયાન, આરોગ્ય કેમ્પો, ખાટલા બેઠકો યોજવામાં આવશે. તે અંગે માહીતી આપી હતી. તા. ૨૦ થી ૨૯ ઓકટોબર સરદાર યાત્રા તમામ તાલુકા મથકોએ તેમજ વિધાનસભા વાઇઝ બેઠકો અંગેની માહીતી પણ તેઓએ રજુ કરી હતી. રાજવીઓના સન્માન, દરેક બુથમાં સ્નેહ મિલનના યોજનાર કાર્યક્રમોની વિગતો અહી જારી કરાઇ હતી. બેઠકનું સંપૂર્ણ સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી  ભાનુભાઇ મેતાએ સંભાળ્યુ હતુ. (૧૬.૧)

(11:58 am IST)