રાજકોટ
News of Wednesday, 26th September 2018

મહાત્મા ગાંધી મ્યુઝીયમનું સંચાલન સોંપવા ટેન્ડર

આલ્ફ્રેડ હાઇસ્કુલના નવનિર્મિત આંતરરાષ્ટ્રીય કક્ષાના 'ગાંધી મ્યુઝિયમ'માં બાલક્રિડાંગણ અને ફૂડ કોટ તથા મેનેજમેન્ટ માટે ખાનગી કંપનીને સંચાલન સોંપવા ટેન્ડરો પ્રસિધ્ધ

રાજકોટ તા. ૨૫ : શહેરમાં આવેલ ઐતિહાસિક આલ્ફ્રેડ હાઇસ્કુલ એટલે કે જુની મહાત્મા ગાંધી સ્કુલના બિલ્ડીંગમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂ. ૨૬ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું અદ્યતન મહાત્મા ગાંધી મ્યુઝીયમ બનાવવામાં આવ્યું છે. જેમાં બિલ્ડીંગની અંદરનું અને બહારનું સંચાલન અલગ અલગ એજન્સી સંભાળશે. જેમાં આ મ્યુઝિયમમાં બાલક્રિડાંગણ, ફુડ કોટ તથા મેનેજમેન્ટ માટે ખાનગી કંપનીને સંચાલન સોંપવા કોર્પોરેશન દ્વારા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.

લોકાર્પણ આગામી તા. ૩૦ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવશે. દરમિયાન મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર એટલે કે ગાંધી મ્યુઝીયમ સમગ્ર દેશમાં નમૂનેદાર બને તે માટે મ્યુઝીયમમાં પૂ. બાપુના વિદ્યાર્થીકાળના સંસ્મરણો તથા તેમના જીવનચરિત્ર સંબંધીત જુદા-જુદા પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.

આ મ્યુઝિયમનું સંચાલન બે એજન્સી દ્વારા કરવામાં આવશે. જેમાં મ્યુઝીયમની અંદરનું સંચાલન ખાસ કંપની દ્વારા કરવામાં આવશે. જ્યારે ગાર્ડન, ચિલ્ડ્રન પાર્ક, ફૂડ કોટ સહિતની સુવિધાનું સંચાલન માટે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. સંચાલન માટે ઇચ્છુક એજન્સી ધારકો તા. ૨૬ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકશે તેમ પ્રસિધ્ધ થયેલ ટેન્ડરમાં જણાવાયું છે.(૨૧.૩૩)

(3:40 pm IST)