રાજકોટ
News of Monday, 26th July 2021

ફાળદંગમાં શિવકૂ અને ટોળકીની ગૂંડાગીરી : વલ્લભભાઇ ખૂંટને ધોકા-પાઇપના ઘા ફટકારી હાથ-પગ ભાંગી નાંખી હત્યાનો પ્રયાસ

પખવાડીયા પુર્વે જેણે પટેલ વૃધ્ધનું અપહરણ કરી ૩.૮૫ લાખની ખંડણી વસુલી હતી એ જ શિવકૂ વાળાએ ફરી ગૂંડાગીરી આચરી! :તેમના પત્નિ હેમીબેન વચ્ચે પડતાં તેમના ઉપર પણ હુમલોઃ ફરિયાદ કરે તો તેમના દિકરાઓને મારી નાંખવાની ધમકીઃ ટોળકીને ઝડપી લેવા કુવાડવા, ક્રાઇમ બ્રાંચની ટીમોની દોડધામઃ અગાઉ ખંડણીખોરને પકડી લેનાર પોલીસનું સન્માન પણ કરાયું હતું: ત્યાં ફરી પોલીસને પડકાર : ૬૨ વર્ષના વલ્લભભાઇ ખુંટના બંને હાથ અને બંને પગ ભાંગી નખાતા હોસ્પિટલના બિછાને

ધોકા-પાઇપના ઘા ફટકારી જેમના બંને હાથ અને બંને પગ ભાંગી નખાયા છે તે વલ્લભભાઇ ખુંટ (ઉ.વ.૬૦) સારવાર હેઠળ નજરે પડે છે. તેમને બચાવવા વચ્ચે પડેલા પત્નિ હેમીબેનને પણ માર મારવામાં આવતાં તેમને પણ દાખલ કરાયા છે. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૬: અઢાર દિવસ પહેલા જ ફાળદંગના પટેલ વૃધ્ધનું ગામના જ શખ્સે બીજા શખ્સો સાથે મળી કારમાં અપહરણ કરી 'તું જમીનની દલાલીમાં ખુબ કમાયો છે, ખંડણી આપવી પડશે' કહી રૂ. ૩,૮૫,૦૦૦ની ખંડણી પડાવી હતી. આ મામલે જે તે વખતે કુવાડવા પોલીસમાં ગુનો નોંધાયો હતો અને ક્રાઇમ બ્રાંચે આરોપીઓને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું. આ ગુનાના મુખ્ય આરોપી કાઠી શખ્સે જામીન પર છુટ્યા બાદ અગાઉની ફરિયાદનો ખાર રાખી ગઇકાલે પટેલ વૃધ્ધના ઘરે બીજા ચાર જણા સાથે પહોંચી જઇ તેમને ધોકા-પાઇપના આડેધડ ઘા ફટકારી બંને હાથ અને બંને પગ ભાંગી નાંખી હત્યાનો પ્રયાસ કરતાં તેમજ તેમના પત્નિને પણ માર મારી અને દિકરાઓને મારી નાંખવાની ધમકી આપી આતંક મચાવતાં પોલીસે તેને ઝડપી લેવા દોડધામ આદરી છે.

 હુમલામાં ગંભીર ઇજા પામનારા ફાળદંગ ગામે રહેતાં પટેલ વલ્લભભાઇ ભગવાનભાઇ ખુંટ (ઉ.વ.૬૨)ને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં તેમની ફરિયાદ પરથી કુવાડવા પોલીસે ફાળદંગના જ શિવકુ ધીરૂભાઇ વાળા, ડેરોઇના મહિપ ચાવડા અને ત્રણ અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૦૭, ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬ (૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૧૪, ૧૩૫ મુજબ રાયોટીંગ, હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે.

વલ્લભભાઇ ખુંટ પરિવાર સાથે રહે છે અને ફાળદંગ ગામે ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. તેમના બંને દિકરા પરિવાર સાથે રાજકોટ રહે છે. તેઓ અને પત્નિ હેમીબેન (ઉ.વ.૬૦) બંને ફાળદંગ રહે છે.    તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે રવિવારે ૨૫/૭ના હું અને મારા પત્નિ હેમીબેન અમારા ઘરે હતાં. સવારના દસથી સાડા દસના અરસામાં અમારા ગામનો શીવકુ વાળા, ડેરોઇનો મહિપત ચાવડા અને સાથે ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતાં. શિવકુ અને મહિપત પાસે લોખંડના પાઇપ હતાં.  બીજા ત્રણ જણા પાસે ધોકા હતાં.

આ બધા અમારા ઘરની ઓસરીમાં આવી ગયા હતાં અને મને પાંચેય જણા ધોકા-પાઇપથી મારવા માંડ્યા હતાં. આડેધડ માર મારી મારા બંને પગ અને બંને હાથમાં ગંભીર ઇજા પહોંચાડી હતી. શરીરે પણ બેફામ માર માર્યો હતો. મારા પત્નિ હેમીબેન મને બચાવવા વચ્ચે પડતાં તેને પણ શીવકુ અને મહિપતે હાથમાં અને પગમાં પાઇપથી માર માર્યો હતો. શીવકુ ફરીથી મને પાઇપથી મારવા જતાં મેં મારા બંને હાથ આડા રાખી દેતાં હાથમાંઇજા થઇ હતી અને હું પડીગયો હતો.

મારા પત્નિને પણ તેણે માર મારી પછાડી દીધા હતાં. આ બધાએ જો પોલીસ ફરિયાદ કરશો તો તમારા દિકરાઓને જાનથી મારી નાંખશું તેમ કહી ગાળો દીધી હતી. આ દરમિયાન મારો ભત્રીજો અશોક અને ધવલ આવી જતાં આ પાંચેય જણા ભાગી ગયા હતાં. એ પછી ગામના માણસો પણ ભેગા થઇ ગયા હતાં. કોઇએ ૧૦૮ બોલાવી અમને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. અહિ એકસ-રે નિદાન થતાં મારા જમણા પગ, ડાબા પગ અને બંને હાથમાં ફ્રેકચર હોવાનો રિપોર્ટ આવ્યો હતો.

આ હુમલાનું કારણ એવું છે કે અગાઉ ૭/૭ના રોજ શિવકુ વાળા અને તેની સાથેના માણસોએ મારું કારમાં અપહરણ કરી તું જમીનની દલાલીમાં બહુ કમાયો છે, અમને ખંડણી આપવી પડશે તેમ કહી રૂ. ૩,૮૫,૦૦૦ની ખંડણી પડાવી હતી. આ મામલે તે વખતે કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે ગુનામાં ક્રાઇમ બ્રાંચે શિવકુ વાસળા સહિતનાને પકડી લીધા હતાં. આ ફરિયાદનો ખાર રાખી શિવકુ સહિતનાએ ફરી વખત મારા ઘરે આવી મારા પર જીવલેણ હુમલો કરી મારા બંને હાથ-પગ ભાંગી નાંખ્યા છે. તેમજ મારા પત્નિને પણ માર મારી મારા દિકરાઓને મારી નાંખવાની ધમકી આપી છે. તેમજ મને મારી નાંખવાનો પ્રયાસ કર્યો છે.

આઉના ગુનામાં શિવકુ ઉર્ફ શિવરાજ સહિતના શખ્સો તાજેતરમાં જામીન પર છુટ્યા છે. એ પછી ફરીથી તેણે ટોળકી રચી જીવલેણ હુમલો કરતાં પટેલ પરિવારના સભ્યો ભયભીત બની ગયા છે. કુવાડવા પીઆઇ એન. એન. ચુડાસમા, પીએસઆઇ પ્રદ્યુમનસિંહ ગઢવી, એએસઆઇ હિતેષભાઇ ગઢવી, હિતેન્દ્રસિંહ ઝાલા, અરવિંદભાઇ મકવાણા સહિતે ગુનો નોંધ્યો છે. ડી. સ્ટાફની ટીમો અને ક્રાઇમ બ્રાંચની ટીમોએ આરોપીઓને શોધી કાઢવા દોડધામ શરૂ કરી છે.

ઉલ્લેખનિય છે કે અગાઉ પોલીસે પટેલ વૃધ્ધને મુકત કરાવી આરોપી શિવરાજ ઉર્ફ શિવકુ સહિતે કાયદાનું ભાન કરાવ્યું હતું. ત્યારે ફરિયાદી પટેલ પરિવારના સભ્યોએ પોલીસની કામગીરીની સરાહના કરી પોલીસ કમિશનરશ્રીનો અભાર વ્યકત કર્યો હતો. ત્યાં પખવાડીયામાં જ ખંડણીના આ ગુનાના મુખ્ય આરોપીએ ફરીથી ગૂંડાગીરીનું પ્રદર્શન કરી પોલીસને પડકાર ફેંકયો છે.

(1:02 pm IST)