રાજકોટ
News of Sunday, 26th June 2022

રાજકોટમાં તોફાની પવન સાથે મેઘાની ધમાકેદાર બેટીંગ વીજળીના કડાકા ભડાકા સાથે એક કલાકમાં એક ઇંચ વરસાદ : અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી

રેસકોર્સ રોડ પર ગેલેક્સી એપાર્ટમેન્ટ પાસે આકાશવાણી સ્ટેશન સામે એક વૃક્ષ ધરાશાયી થઈ કાર ઉપર પડતા કારમાં નુકસાન:કુવાડવા રોડ પર પણ વૃક્ષ ધરાશાયી થતા રોડ પર વાહનો અટવાયા:પેલેસ રોડ પર એક હોર્ડિંગ્સ પડ્યું

રાજકોટ : શહેરમાં રવિવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અને મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. જેમાં એક કલાકમાં ધોધમાર 1 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયાનું જાણવા મળી રહ્યું છે. ભારે પવન ફૂંકાયો છે અને સાથે વીજળીના કડાકા ભડાકા પણ થઈ રહ્યા છે. વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ, સાંજે 4.30 વાગ્યા આસપાસ વરસાદ ચાલુ થયો છે. જેમાં શહેરના રૈયા રોડ, રેસકોર્સ રોડ, યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, કાલાવડ રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, 150 ફૂટ રિંગ રોડ, યુનિવર્સિટી સહિતના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં છે. લોકો વરસાદની મજા લેવા બહાર નીકળ્યા હતા. ભારે બફાર માંથી લોકોએ મુક્તિ મેળવી છે અને શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે. ફાયર બ્રિગેડના ચોપડે નોંધાયેલા આંકડા મુજબ 5.30 સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 20 mm અને વેસ્ટ ઝોનમાં 14 mm વરસાદ પડ્યો છે.

બીજીતરફ ભારે પવનના કારણે અનેક સ્થળોએ વૃક્ષ, હોર્ડિંગ ધરાશાયી થયાનું જાણવા મળ્યું છે. રેસકોર્સ રોડ પર ગેલેક્સી એપાર્ટમેન્ટ પાસે આકાશવાણી સ્ટેશન સામે એક વૃક્ષ ધરાશાયી થઈ કાર ઉપર પડતા કારમાં નુકસાન થયું હતું. કુવાડવા રોડ પર પણ વૃક્ષ ધરાશાયી થતા રોડ પર વાહનો અટવાયા હતા. તેમજ પેલેસ રોડ પર એક હોર્ડિંગ્સ પડ્યું હતું. જ્યારે અન્ય કેટલાક સ્થળોએ સોલારની પેનલો હવામાં ઉડી હતી. જોકે સદનસીબે આ ઘટનાઓમાં કોઈને ઇજા કે જાનહાની થઈ નથી

(8:07 pm IST)