સગીરા સાથે દુષ્કર્મ આચરવાના ગુન્હામાં વધુ એક શખ્સ ઝડપાયો
યુનિવર્સિટી પોલીસે વિજય સાપરાને પકડયા બાદ સગીરને પકડી લીધો
રાજકોટ તા. ર૬ :.. શહેરમાં રહેતી પરપ્રાંતીય સગીરા ઘરેથી પ્રેમીને મળવા માટે નીકળ્યા બાદ બે શખ્સો અને રીક્ષા ચાલકે જુદા-જુદા સ્થળે લઇ જઇ દુષ્કર્મ આચરવાના ગુન્હામાં યુનિવર્સિટી પોલીસે એક શખ્સને ઝડપી લીધા બાદ સગીરાના પ્રેમીને ઝડપી લીધો છે.
મળતી વિગત મુજબ રૈયા રોડ વિસ્તારની એક સગીરા ૧૯ મીએ ગૂમ થઇ હતી. ત્યારબાદ બે દિવસ પછી મળી આવી હતી. તેણે ઘરે પહોંચી પોતાને પોતાના પ્રેમી સંજૂએ સંત કબીર રોડ પર મળવા માટે બોલાવતાં ત્યાં ગયાની અને ત્યારબાદ બે દિવસ સુધી ત્રણ શખ્સોએ અલગ-અલગ સ્થળે લઇ જઇ પોતાના પર બળાત્કાર ગુજાર્યાની વિતક વર્ણવતા પરિવારજનો ચોંકી ગયા હતાં. યુનિવર્સિટી પોલીસ સમક્ષ સગીરાને લઇ જવાતાં તેણીએ કહયું હતું કે ૧૮ મીએ ઘરેથી નીકળી સંત કબીર રોડ પર પહોંચી હતી અને પ્રેમી સંજૂની રાહ જોઇ રહી હતી તે વખતે બુલેટ પર બે શખ્સો આવ્યા હતાં. અને સગીરાને કોને શોધે છે ? એવું પુછતાં તેણીએ સંજૂની રાહ જોઇ રહ્યાનું કહયું હતું. સગીરા એકલી હોવાનું ભાળી પોતે સંજૂને ઓળખે છે પોતાના નામ જયેશ અને ગોપાલ છે. તેમ કહી સગીરાને સંજૂ સુધી પહોંચાડી દેશે તેવી લાલચ આપી બુલેટમાં યાર્ડ નજીક બગીચા પાસે ત્યારબાદ ઇકો કારમાં બેસાડી અવવરૂ સ્થળે લઇ જઇ બંનેએ આ સગીરા સાથે કુકર્મ આચર્યુ હતું. બાદ બંને શખ્સો સગીરા ને નવા બસ સ્ટેશન પાસે મુકી ગયા હતાં. તે વખતે એકલી બેઠેલી સગીરાને એક રીક્ષા ચાલકે સગીરા સાથે વાતચીત કર્યા બાદ તે બુલેટવાળા બંને ને ઓળખે છે તેની પાસે લઇ જવાની વાત કરી સગીરાને રીક્ષામાં બેસાડી આજીડેમ ચોકડીએ લઇ જઇ રીક્ષામાં દુષ્કર્મ આચર્યુ હતું
આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પી.આઇ. એ.એલ. આચાર્ય તથા રાઇટર જે.પી. મેવાડા અને ગીરીરાજસિંહ સહિતે રીક્ષા ચાલક વિજય મોહનભાઇ સાપરા (ઉ.૨૫) (રહે. ગંજીવાડા શેરી નં. ૪૫) ની ધરપકડ કરી હતી, બાદ આ પ્રકરણમાં સંજૂ પટેલ નામના શખ્સની સંડોવણી હોઇ તેથી ઇન્ચાર્જ પી.આઇ. વી.જી. ડાંગર, પી.એસ.આઇ. એમ.વી. રબારી, હેડ કોન્સ. જે.પી. મેવાડા, હરેશભાઇ, રાજેશભાઇ, હરપાલસિંહ, પુષ્પરાજસિંહ, સિકંદરભાઇ સહિતે સગીરાના પ્રેમીને પકડી લીધો હતો. સગીર પ્રેમી તેણીને અગાઉ અલગ અલગ જગ્યાએ મળ્યો હતો અને સગીરાને ખોટી ઓળખ આપી શારીરીક અડપલા કર્યા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ આદરી છે.