રાજકોટ
News of Wednesday, 26th June 2019

ગોરસ લોકમેળાની તસ્વીર સ્પર્ધાના પરિણામો જાહેરઃ ફર્સ્ટ નંબરે જયેશ વીજડા

રાજકોટ, તા.૨૬:ગત્ત સાતમ આઠમના પર્વમાં શહેરમાં રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવેલા ગોરસ લોકમેળા દરમિયાન યોજાયેલી તસ્વીર સ્પર્ધાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. પ્રથમ ત્રણ સ્પર્ધકોની કૂલ ચાર તસવીરો વિજેતા જાહેર કરવામાં આવી છે.

પ્રાદેશિક માહિતી કચેરી-રાજકોટ અને લોકમેળા સમિતિના સંયુકત તત્વાધાનથી યોજવામાં આવેલી આ તસ્વીર સ્પર્ધામાં પ્રથમ ક્રમે શ્રી જયેશ વિજડાની બે તસ્વીરો આવી છે. જે પૈકી એક તસ્વીરમાં મેળામાં જાયન્ટ ઝૂલામાં બેઠેલા મુલાકાતીની લાક્ષણિક મુદ્રાઓ કેદ કરવામાં આવી છે. જયારે, આ ક્રમમાં રહેલી અન્ય તસ્વીરમાં ગોરસ મેળામાં મહાલતી મહિલાઓનો તેઓ કુલ્ફી આરોગતી વેળાઓનો આનંદ કિલક થયો છે.

બીજા ક્રમે ફોટોફિગરની તસ્વીર રહી છે. તેમની એક તસ્વીરમાં નાની બાળા જમ્પિંગમાં આનંદની છોળો ઉડાદતી કંડારાઇ ગઇ છે. જયારે, ત્રીજા ક્રમની તસ્વીરમાં ગોરસ લોકમેળાનો રાત્રીનો નજારો કેદ થયો છે. ત્રીજા ક્રમની તસ્વીર શ્રી આત્મન જોશી દ્વારા ખેંચવામાં આવી છે. લોકમેળા સમિતિ દ્વારા પ્રથમ ત્રણ ક્રમના વિજેતાઓને અનુક્રમે રૂ.૧૦૦૦૦, રૂ.૭૦૦૦ અને રૂ. ૫૦૦૦ પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવશે. વિજેતાઓને કલેકટરે અભિનંદન પાઠવ્યા  હતા. આ તસ્વીર સ્પર્ધામાં ૧૨૫થી વધુ તસવીરકારો એન્ટ્રી ઇમેઇલથી મળી હતી. તૈ પૈકી કૂલ ૨૨ જેટલી તસ્વીરો સ્પર્ધાના અંતિમ તબક્કામાં પહોંચી હતી. નિર્ણાયક તરીકે ત્રણ સભ્યોનો સમિતિમાં (૧) શ્રી કૌશિકભાઇ ઝડિયા (તસ્વીરકાર અને પ્રદર્શનકાર) (૨) શ્રી રમેશભાઇ ટંકારિયા (ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના તસ્વીરકાર) તથા (૩) શ્રી સંજયભાઇ જે. રાજયગુરુ (ઓપરેટર, માહિતી ખાતુ)ની સેવા લેવામાં આવી હતી. આ સમિતિએ પ્રત્યેક તસ્વીરોનું પાંચ મુદ્દા એન્ગલ, કમ્પોઝિશન, ડેપ્થ એન્ડ ડિટેઇલ, સબજેકટ અને લાઇટિંગને ધ્યાને લીધા હતા.

(3:46 pm IST)