રાજકોટ
News of Wednesday, 26th June 2019

છૂટાછેડા આપ્યા પછી પત્નીને ઘરકામ પેટે ૧.ર૦ કરોડ પતિએ ચૂકવવા પડશે

લંડન તા. ર૬: આ સમાચાર વાંચીને ભણેલીગણેલી ડિગ્રીધારક પત્નીઓ પતિની ઊંઘ હરામ કરવાનું વિચારી શકે છે. તાજેતરમાં આર્જેન્ટિનામાં એક સ્થાનિક કોર્ટે એક પતિને પોતાની ભણેલીગણેલી ડિગ્રીધારક પત્નીને ઘરકામના બદલામાં ૧.ર૦ કરોડ રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે. છૂટાછેડાની અરજી દરમ્યાન પત્નીએ રજૂઆત કરી હતી કે આજે પણ પત્ની ઘરનું કામ કરે છે એની કોઇ કિંમત નથી હોતી એટલે અત્યારે હું ભણેલીગણેલી હોવા છતાં મારી પાસે મારી કમાણી નથી. આ યુગલે ર૮ વર્ષ પહેલાં લગ્ન કર્યાં ત્યારે જ નક્કી કરેલું કે એક વ્યકિત નોકરી કરશે અને બીજું ઘર સંભાળશે. એને કારણે પત્નીના ભાગે ઘરકામ આવ્યું હતું. પત્નીનું કહેવું હતું કે લગ્ન વખતે કરેલી પસંદગલીને કારણે તેની પાસે આર્થિક સપોર્ટ નથી.

આ યુગલે લગ્નનાં ર૮ વર્ષ બાદ ર૦૦૯માં છૂટાં થવાનું નકકી કરેલું. તેમના ડિવોર્સ ર૦૧૧માં થઇ ગયા હતા. આ દરમ્યાન મહિલા ૬૦ વર્ષની થઇ ચૂકી હતી. એ પછી તેની પાસે કમાણી કરવાનું કોઇ સાધન ન રહ્યું. ૬૦ વર્ષે તેને કોઇ નોકરી આપવા તૈયાર નહોતું એટલે મહિલા ફરીથી કોર્ટમાં પહોંચી અને તેણે પતિના ઘરમાં કરેલા કામની કિંમત કેમ ન થાય એ મુદે ઉઠાવ્યો હતો. જજે પણ ફેંસલો આપતાં કહ્યું હતું કે 'ગૃહિણીના કામનો કોઇ પગાર નથી હોતો. આ મહિલા અર્થશાસ્ત્રી હતી એટલે જો તેણે નોકરી કરી હોત તો કેટલું કમાઇ હોય એના આધારે પતિએ તેને ઘરકામના પૈસા હવે ચુકવવા પડશે.'

કોર્ટે પતિને ૧.ર૦ કરોડ રૂપિયા પત્નીને ચૂકવવાનું ફરમાન કર્યું હતું.

(3:44 pm IST)