રાજકોટ
News of Wednesday, 26th June 2019

આજીડેમમાં ગઇકાલે ડૂબી ગયેલા યુવાનની આજે લાશ મળીઃ શાપરનો રાહુલ કોળી હોવાનું ખુલ્યું

રાજકોટઃ આજીડેમમાં પાણીના કોઠા પાસે ગઇકાલે બપોર બાદ એક યુવાન ડૂબી ગયાની જાણ થતાં ફાયર બ્રિગેડના તરવૈયાઓની ટીમ પહોંચી હતી અને કલાકો સુધી શોધખોળ કરવા છતાં ડૂબી જનાર વ્યકિતનો પત્તો મળ્યો નહોતો. દરમિયાન આજે સવારે એક યુવાન માછલાને લોટ નાંખવા આવ્યો ત્યારે તેણે એક યુવાનની લાશ જોતાં પોલીસને જાણ કરી હતી. આજીડેમના પીએસઆઇ આર. બી. વાઘેલા અને રાઇટર ભીખુભાઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. ફાયર બ્રિગેડના તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપતા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. ડેમ પાસેથી મળેલા બાઇક નંબરને આધારે મૃતકની ઓળખ થઇ હતી. મૃતક યુવાન શાપર વેરાવળનો રાહુલ દિનેશભાઇ બારૈયા (કોળી) (ઉ.૨૭) હોવાનું ખુલ્યું હતું. મૃતક બે ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજો હતો. તેના અઢી વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા હતાં. ડ્રાઇવીંગના કામે જવાનું કહીને બે  દિવસ પહેલા ઘરેથી નીકળી ગયો હતો. તેણે આપઘાત કર્યો કે ન્હાવા જતાં ડુબી ગયો? તે અંગે તપાસ યથાવત રાખવામાં આવી છે. તસ્વીરમાં મૃતદેહ બહાર કાઢવાની કામગીરી કરી રહેલા ફાયર બ્રિગેડના જવાનો જોઇ શકાય છે.

(3:44 pm IST)