રાજકોટ
News of Wednesday, 26th June 2019

મજૂરી ન મળતાં સોહમનગરના સુરેશભાઇએ ઝેર ગટગટાવ્યું

કામ ન મળતાં લોનથી લીધેલા બાઇકના હપ્તા ન ભરી શકાતા છોટુનગર ઝૂપડપટ્ટીનો ભરત ઝેરી દવા પી ગયો

રાજકોટ તા. ૨૬: મોરબી રોડ ફાટક પાસે સોહમનગરમાં રહેતાં સુરેશભાઇ માયાભાઇ સાગઠીયા (ઉ.૩૪) નામના ચમાર યુવાને રાત્રે સાડા નવેક વાગ્યે ઝેર પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં બી-ડિવીઝનમાં જાણ કરાઇ હતી.

સુરેશભાઇ છુટક મજૂરી કરે છે. સંતાનમાં એક પુત્રી છે. કેટલામ સમયથી મજૂરી કામ મળતું ન હોઇ કંટાળીને આ પગલું ભર્યાનું તેના પરિવારજને જણાવ્યું હતું.

બીજા બનાવમાં રૈયા રોડ હનુમાન મઢી પાછળ છોટુનગર ઝૂપડપટ્ટીમાં રહેતાં આદિવાસી યુવાન ભરત રમેશભાઇ પરમાર (ઉ.૧૭)એ ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ હતી. ભરત બે ભાઇમાં નાનો છે અને કડીયા કામની મજૂરી કરે છે. તેણે થોડા સમય પહેલા લોનથી નવુ બાઇક લીધું હતું. હવે કામ થતું ન હોઇ હપ્તા ભરી ન શકતાં આ પગલું ભર્યાનું તેના પિતાએ કહ્યું હતું.

રેસકોર્ષ રીંગ રોડ પર ગાંધીગ્રામનો પ્રકાશ ફિનાઇલ અને ઝેરી ટીકડી પી ગયો

ગાંધીગ્રામ લાખના બંગલા પાસે રહેતો પ્રકાશ રમેશભાઇ લખવાણી (ઉ.૩૨) રાત્રે સવા બારેક વાગ્યે રેસકોર્ષ રીંગ રોડ પર મહિલા પોલીસ મથક નજીક ફિનાઇલ અને ઘઉમાં રાખવાની ટીકડી પી જતાં તેના મિત્રએ સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. પ્ર.નગરના એએસઆઇ હરેશભાઇ રત્નોતર નિવેદન લેવા પહોંચ્યા હતાં. પણ તે બેભાન હોઇ કારણ જાણી શકાયું નહોતું.

(3:37 pm IST)