રાજકોટ
News of Wednesday, 26th June 2019

કિસાન સંઘના આવેદન સમયે કલેકટરની ચેમ્બર બહાર પોલીસ-ખેડૂતો વચ્ચે શાબ્દિક મગજમારીઃ દેકારો

કલેકટરે ચેમ્બરમાં પાંચ જ લોકો આવે તેવો આગ્રહ રાખતા ખેડૂતોમાં રોષ : રાજકોટમાં ખેડૂત હાટ માટે કિસાન સંઘને જમીન ફાળવવા અંગે આવેદન

ખેડૂત હાટ માટે ભારતીય કિસાન સંઘે કલેકટરને આવેદન આપી જમીન આપવા માંગણી કરી હતી

રાજકોટ, તા. ૨૬ :. ભારતીય કિસાન સંઘ રાજકોટ એકમે કલેકટરને આવેદનપત્ર પાઠવી ખેડૂત હાટ માટે રાજકોટ શહેરમાં ભારતીય કિસાન સંઘને જમીન ફાળવવા માંગણી કરી હતી.

રાજકોટ શહેરના પ્રજાજનોને વ્યાજબી ભાવે અને ઓર્ગેનિક રોજેરોજ તાઝા શાકભાજી, દૂધ, અનાજ, કઠોળ જેવી જીવન જરૂરીયાતની ખેતી વિષયક અને ખેતી સંલગ્ન ચીઝ વસ્તુઓ ગ્રાહકોને સીધી મળી રહે તેમજ ખેડૂતોને પોતાના માલનું પુરૂ વળતર મળી શકે તે માટે રાજકોટ શહેરમાં ખેડૂત હાટ શરૂ કરવાનું ભારતીય કિસાન સંઘ માંગણી કરે છે.

આવેદનપત્ર આપવા સમયે કલેકટરની ચેમ્બર બહાર જ પહેલા માળની લોબીમાં કિસાન સંઘના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ હતુ. શાબ્દિક ટપાટપી - ગરમાગરમી સર્જાઈ હતી. કલેકટરે ૫ વ્યકિત જ ચેમ્બરની અંદર આવે તેવી પોલીસને સૂચના આપતા અને પોલીસે તેનુ અમલીકરણ કરતા ગામડે ગામડેથી આવેલા ખેડૂતો ઉકળી ઉઠયા હતા અને દેકારો મચી ગયો હતો. કિસાન સંઘના આગેવાન દિલીપભાઈ સખીયાએ જણાવેલ કે, કલેકટરશ્રીની આવી સૂચના ગેરવ્યાજબી છે. ગામડેથી આવેલા ખેડૂતોને ચેમ્બરમાં ન આવવા દેવા એ વ્યાજબી ન ગણાય... ખેડૂતોાં આ મુદ્દે પ્રચંડ રોષ પ્રવર્તી રહ્યો છે.

અગાઉ આનંદીબેનની સરકારે રાજકોટ સહિતના ઘણા શહેરોમાં ખેડૂત હાટ માટેની જગ્યાઓ ફાળવેલ હતી. દા.ત. નાનામૌવા સર્કલ પાસે. તેમજ સાધુ વાસવાણી રોડ ઉપર ખેડૂત હાર્ટ માટે રાજકોટમાં પણ જગ્યા ફાળવેલ હતી અને તેમા ખેડૂતો પોતાની ખેતપેદાશનું સીધું વેચાણ કરી શકતા હતા પણ કોર્પોરેશન તેમજ સરકાર દ્વારા કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધાની વ્યવસ્થા કરવામા પણ આવેલ ન હતી. તેવો પુરતો સહકાર ના મળવાના કારણે ખેડૂતોને નિરાશ થવુ પડેલ.

ખેડૂત હાટ સીટી અંદર જ મળે તો જ પ્રજાજનો અને ખેડૂત બન્ને માટે ફાયદાકારક થાય તેમજ ખેડૂતોને અને શહેરના પ્રજાજનોને અનુકુળ આવે તેવી જગ્યા નાનામૌવા રોડ સર્કલ પાસે કોર્પોરેશન હસ્તક છે. જે જગ્યા કોર્પોરેશનની આ જમીન બધા કામ સહીત જરૂરી સુવિધા સાથે ખેડૂત હાટ માટે લાંબાગાળાની લીઝ ઉપર ફાળવવામાં આવે તેવી અમારી વિનંતી છે. કોઈ કારણોસર આ પ્લોટ ફાળવી શકાય તેમ ન હોય તો અન્ય પ્લોટ રાજકોટ શહેરની પ્રજાને અને ખેડૂતોને અનુકુળ હોય તેવો પ્લોટ ફાળવવામાં આવે તો પણ અમને માન્ય રહેશે.

આવેદન દેવામાં રાજકોટ જીલ્લા પ્રમુખ દિલીપભાઈ સખીયા, રમેશભાઈ ચોવટીયા, અતુલભાઈ કમાણી, પ્રભુદાસભાઈ મણવર, ભરતભાઈ પીપળીયા, જીવનભાઈ વાછાણી, મનોજભાઈ ડોબરિયા, ઠાકરશીભાઈ પીપળીયા, રમેશભાઈ હાપલીયા, પરેશભાઈ રૈયાણી, ધર્મેશભાઈ સોરઠીયા, બચુભાઈ ધામી, મહિપાલસિંહ જાડેજા, જીતુભાઈ સંતોકી, મધુભાઈ પાંભર, ભુપતભાઈ કાકડિયા, અશોકભાઈ મોલીયા, ભાવેશભાઈ રૈયાણી, ઝાલાભાઈ ઝાપડિયા, કિશોરભાઈ લકકડ, વિનુભાઈ દેસાઈ, શાંતિલાલ વેગડ, કિશોરભાઈ સગપરીયા, કાળુભાઈ, રમેશભાઈ લક્કી, મુકેશભાઈ રાજપરા વિગેરે હાજર રહ્યા હતા.

(3:26 pm IST)