રાજકોટ
News of Wednesday, 26th June 2019

હિટવેવ અને ભારે વરસાદના પડકારો અંગે મ્યુ.કોર્પોરેશનમાં સેમિનાર યોજાયો

IMDનાં ભૂતપૂર્વ વડા પ્રો. અજીત ત્યાગી, ગુજરાત IMD નાં વડા ડો. જયંત સરકારની ઉપસ્થિતિઃ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ માહિતી રજુ કરી

રાજકોટ, તા.૨૬: મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આજે  'રાજકોટ હિટ સ્ટ્રેસ એકશન પ્લાન વિષય પર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના હવામાન વિભાગના (IMD) ભૂતપૂર્વ ડાયરેકટ જનરલ પ્રો. અજીત ત્યાગી, IMD, ગુજરાતના ડાયરેકટ અને સાયન્ટીસ્ટ ડો. જયંત સરકાર, રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી બંછાનિધિ પાની, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગરનાં ડાયરેકટર પ્રો. દિલીપ માવલંકર, ઇન્ટીગ્રેટેડ રિસર્ચ એન્ડ એકશન ફોર ડેવલોપમેન્ટ (IRADe)ના ડેપ્યુટી ડાયરેકટર રોહિત મગોત્રા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં. મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વર્કશોપની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોને આવકારી પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં એમ કહ્યું હતું કે, રાજકોટ શહેરમાં છેલ્લા બે ત્રણ વર્ષમાં ઉનાળાની સિઝનમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હિટ વેવની પરિસ્થિતિનો વૈજ્ઞાનિક ઢબે  સામનો કરી વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા હતાં, અને તેના ખુબ સારા પરિણામો પણ મળ્યા હતાં. માત્ર એટલું જ નહી, મહાનગરપાલિકા દ્વારા રાજકોટની હવામાનની પેટર્નને નજર સમક્ષ રાખી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એવા પ્રકારની બાંધકામ ડીઝાઈન બનાવવામાં આવી છે જેના પરિણામ સ્વરૂપે આ આવાસ યોજનાના દ્યરોમાં બહારની તુલનાએ તાપમાન સાત થી આઠ ડીગ્રી ઓછું રહે. સાથોસાથ મહાનગરપાલિકાએ શહેરની વિવિધ સંસ્થાઓની મદદથી વ્રુક્ષારોપણ આભિયાન પણ હાથ ધરેલું છે. મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં એમ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના આઈ-વે પ્રોજેકટ હેઠળ શહેરમાં ૨૦ સ્થળોએ પર્યાવરણ સેન્સર લગાવવામાં આવેલા છે, જેની મદદથી શહેરમાં તાપમાનની પરિસ્થિતિ કેવી છે તેની અલગઅલગ વિસ્તાર વાઈઝ માહિતી પ્રાપ્ત થઇ રહી છે. ડેટા એમ સૂચવે છે કે, સ્લમ વિસ્તારોવાળા એરિયામાં અન્ય વિસ્તારોની સરખામણીએ તાપમાન થોડું વધુ ઊંચું રહે છે. આ ઉપરાંત શહેરની મધ્યમાં સ્થિત ત્રિકોણ બાગ ઉપરાંત, સિવિલ હોસ્પિટલ ચોક, ગોંડલ રોડ ચોકડી અને ગ્રીનલેન્ડ ચોકડી જેવા એરીયામાં તાપમાન અન્ય એરિયાની તુલનાએ વધુ ઊંચું રહે છે. જેનું કારણ વાહનોની સતત આવજા પણ જવાબદાર છે. મહાનગરપાલિકાએ હવામાન ખાતાના રિપોર્ટના આધાર પર તેમજ શહેરની એકચ્યુઅલ પરિસ્થિતિને જોઈને યલો, ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરી લોકોને સાવચેત પણ કર્યા હતાં. ઉનાળાની જેમ હવે ચોમાસામાં વરસાદની આગાહી વખતે પણ રાજકોટ મહાનગરપાલિકા યલો, ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરી લોકોને સાવચેત કરશે. કમિશનરશ્રીએ આ વિશે વધુ વાત કરતા એમ કહ્યું હતું કે,હિટ એકશન પ્લાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા અને તેનો ફૂડ વિભાગ, બાંધકામ શાખા, વોટર વર્કસ શાખા, ડ્રેનેજ શાખા, ટીપી શાખા, ગાર્ડન શાખા, પ્રોજેકટ શાખા, તેમજ સરકારી અને ખાનગી મેડિકલ ફિલ્ડ સાથે સંકલન કરવામાં આવ્યું હતું.

IMDનાં ભૂતપૂર્વ વડા પ્રો. અજીત ત્યાગીએ તથા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગરનાં ડાયરેકટર પ્રો. દિલીપ માવલંકરે આપેલ હતી.

IMD, ગુજરાતના ડાયરેકટ અને સાયન્ટીસ્ટ ડો. જયંત સરકારે હવામાન – પર્યાવરણ સહિતના વિવિધ માહિતી આપી હતી.આ વર્કશોપમાં આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ, ઉપરાંત નાયબ આરોગ્ય અધિકારી ડો. મનીષ ચુનારા, ડો. હિરેન વિસાણી, તેમજ અન્ય સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(3:25 pm IST)