રાજકોટ
News of Tuesday, 26th June 2018

રાજકોટ જિલ્લા પંચાયત તોડવાનું કોઈનું સપનુ સાકાર નહિ થાય, સભ્યો પાર્ટી સાથે છેઃ ખાટરિયા

ખાટરિયા જુથે સંભવિત કીચડથી બચવા 'મોરમ' પાથરવાનું શરૂ કરી દીધુઃ કુંવરજીભાઈ પાર્ટીમાં જ રહેશે તેવો પૂરો ભરોસો

રાજકોટ, તા. ૨૬ :. જસદણના કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા ભાજપમાં જોડાય તો તેની સીધી અસર રૂપે કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં ભંગાણ થવાની સંભાવના છે. પંચાયતના કારોબારી અધ્યક્ષ અર્જુન ખાટરિયાએ સંભવિત રાજકીય નુકશાન નિવારવા સભ્યોના સંપર્ક સહિતની કામગીરી શરૂ કરી દીધી છે. કુંવરજીભાઈના સભ્યો પર તેઓ વિશેષ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. જો કે તેમણે કોંગ્રેસના સભ્યો કોંગ્રેસની સાથે જ રહેવાનો અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના શાસન પર કોઈ ખતરો ન હોવાનો દાવો કર્યો છે.

અર્જુન ખાટરિયાએ જણાવેલ કે, જિલ્લા પંચાયતમાં કોંગ્રેસમાં કોઈ જુથ નથી. બધા એક પાર્ટીના સભ્ય તરીકે વર્તી રહ્યા છે. બધા સભ્યોની કોંગ્રેસની સાથે જ રહેવાની માનસિકતા છે. જિલ્લા પંચાયત તૂટશે તેવા મુંગેરીલાલના હસીન સપના જોવાવાળા કયારેય સફળ થવાના નથી. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનંુ શાસન છે અને પુરી મુદત સુધી રહેશે. અમુક મિત્રો વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરે છે તેને સૌ ઓળખે છે.

શ્રી ખાટરિયાએ જણાવેલ કે, કુંવરજીભાઈ પાર્ટીને વરેલા વ્યકિત છે. તેઓ કોંગ્રેસમાં જ રહેશે તેવો મને પુરો ભરોસો છે. તેઓ જિલ્લા પંચાયતને ડીસ્ટર્બ કરવા માંગતા હોય તેવા કોઈ સંકેત નથી. અમે સૌ સાથે મળી પ્રજાના કામમાં કોંગ્રેસના બેનરથી આગળ વધવા માંગીએ છીએ.(૨-૧૪)

(11:36 am IST)