રાજકોટ
News of Friday, 26th May 2023

જ્‍યુબીલી પોલીસ ચોકીમાં ગળુ કાપી આપઘાત કરનાર વિરમગામના અનિલના મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ

એ-ડિવીઝન ડી. સ્‍ટાફે રજપૂતપરામાં આવેલી દૂકાનમાં ૧.૮૨ લાખની ચોરીમાં અનિલ અને વિક્કીને પકડયા હતાં: જ્‍યુબીલી ચોકીના સ્‍ટાફે કબ્‍જો સંભાળ્‍યા બાદ ઘટના : મુળ વિરમગામનો અનિલ પત્‍નિ સાથે હાલ કુબલીયાપરામાં રહી ભંગારનો ધંધો કરવા હોવાનું પરિવારનું કથન :વધુ પુછતાછથી બચવા માટે પોતાને ઇજા પહોંચાડી પોલીસને ડરાવવાનો પ્રયાસ કરવા જતાં બ્‍લેડનો ઘા ઉંડો લાગી ગયાની શક્‍યતા

રાજકોટ તા. ૨૬: શહેર એ-ડિવીઝન પોલીસે પરમ દિવસે બે તસ્‍કરને રજપૂતપરામાં આવેલી દૂકાનમાં થયેલી ૧.૮૨ લાખની ચોરીનો ભેદ ઉકેલી બે તસ્‍કર કુબલીયાપરામાં ચારબાઇના મંદિર પાસે રહેતાં અનિલ જેન્‍તીભાઇ ચારોલીયા (ઉ.વ.૩૦) અને દેવપરા સિંદુરીયા ખાણ પાસે રહેતાં વિક્કી ભીખુભાઇ તરેટીયા (ઉ.વ.૨૩)ને દબોચી લઇ ચોરાઉ મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. આ બંનેએ ત્રણ પૈડાવાળી માલવાહક સાઇકલમાં માલ ભર્યો હતો અને રામનાથપરા ભાણજીદાદાના પુલ પાસે વેંચવા માટે ઉભા હતાં ત્‍યારે બંનેને પકડી લેવાયા હતાં. ત્‍યારબાદ ગઇકાલે સાંજે આ તસ્‍કરોનો કબ્‍જો જ્‍યુબીલી પોલીસ ચોકીના પીએસઆઇ વી. એસ. ચોૈહાણે સંભાળ્‍યો હતો. પુછપરછ ચાલુ હતી અને બીજા એક અરજદાર પણ આવ્‍યા હોઇ તેની સાથે પીએસઆઇ ચર્ચામાં હતાં ત્‍યારે એક તસ્‍કર અનિલ બ્‍લેડ જેવું કોઇ ધારદાર હથીયાર પોતાના ગળા પર ફેરવી દેતાં લોહીલુહાણ થઇ બીજા તસ્‍કરના ખોળામાં ઢળી પડયો હતો. તેને તુરત હોસ્‍પિટલે ખસેડાયો હતો. પરંતુ મોત થયું હતું. કસ્‍ટોડિયલ ડેથની આ ઘટનામાં મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવી એસીપીએ વધુ તપાસ શરૂ કરી છે.

પીએસઆઇ ચોહાણ અને રાઇટર સંજયભાઇએ બંને તસ્‍કરનો કબ્‍જો સંભાળ્‍યો હતો. તેઓ જ્‍યુબીલી ચોકીએ બંનેને લાવ્‍યા હતાં અને પુછતાછ શરૂ કરી હતી. આ વખતે મનસુખભાઇ નામના એક અરજદાર પણ બેઠા હોઇ પીએસઆઇ તેમની સાથે પણ ચર્ચા કરી રહ્યા હતાં. તે વખતે અચાનક જ અનિલે બ્‍લેડ જેવું ધારદાર હથીયાર કાઢી પોતાના ગળા પર ફેરવી દેતાં ગળામાં મોટો કાપો થઇ ગયો હતો અને તે લોહીલુહાણ થઇ સાગ્રીત વિકીના ખોળામાં પડી ગયો હતો. આ દ્રશ્‍ય જોઇ સોૈ ચોંકી ગયા હતાં. તુરત જ અનિલને સિવિલ હોસ્‍પિટલે ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દેતાં રાતે મૃતકના સ્‍વજનો, દેવીપૂજક સમાજના લોકો ઉમટી પડયા હતાં.

આપઘાત કરી લેનારો અનિલ મુળ વિરમગામ તાબેના ખુરદ ગામનો વતની હતો. તેને ત્રણ સંતાન છે. પિતાએ જણાવ્‍યું હતું કે અનિલ અને તેની ઘરવાળી હાલમાં રાજકોટ કુબલીયાપરામાં રહેતાં હતાં અને ભંગારનો ધંધો કરતાં હતાં. જો કે પોલીસે અનિલને ચોરીના ગુનામાં સાગ્રીત સાથે મુદ્દામાલ સાથે પકડી લીધો હતો.

ઘણીવાર એવું બનતું હોય છે કે કોઇ આરોપીઓ ગુનો કરતાં પકડાઇ જાય પછી પોલીસને ડરાવવા કે પછી વધારાની પુછતાછથી બચવા પોતાને જ નુકસાન પહોંચાડતાં હોય છે. અનિલે પણ કદાચ આવો પ્રયાસ કરતાં તેમાં ઘા ઉંડો લાગી ગયાની શક્‍યતા પોલીસ નિહાળી રહી છે. જો કે પોલીસ કસ્‍ટડીમાં રહેલા આ તસ્‍કર પાસે ધારદાર વસ્‍તુ ક્‍યાંથી કેવી રીતે આવી? તે તપાસનો વિષય છે. સવારે મૃતદેહનું પોસ્‍ટ મોર્ટમ કરવામાં આવ્‍યું હતું. આગળની તપાસ એસીપી બી. જે. ચોૈધરીએ હાથ ધરી છે. રાતે એ-ડિવીઝન પોલીસ, એસઓજી, ક્રાઇમ બ્રાંચ, એલસીબીનો કાફલો અને થોરાળા પોલીસની ટીમ તથા પ્ર.નગર પોલીસની ટીમ હોસ્‍પિટલે પહોંચી હતી. સવારે પણ મૃતકના સ્‍વજનો, સગાઓ મોટી સંખ્‍યામાં એકઠા થયા હતાં.

 

(11:11 am IST)