રાજકોટ
News of Thursday, 26th May 2022

૧૭ કરોડના ખર્ચે એસએજી નિર્મિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ-હોસ્ટેલની મુલાકાતે હર્ષ સંઘવી

સ્પોર્ટસ સેન્ટરમાં રાજકોટના ખેલાડીઓ માટે ઇન્ડોર બાસ્કેટ બોલ, બેડમીન્ટન, ટેબલ ટેનીસ, જુડો, રેસલીંગ, જીમ્નાસ્ટીક, જીમ્નેજીયમ સહીતની સુવિધા : સ્પોર્ટસ હોસ્ટેલમાં ૧૭૦ બેડ લેડીઝ ખેલાડીઓ માટે અને ૧૭૦ બેડ પુરૃષ ખેલાડીઓ માટે ઉપલબ્ધ

રાજકોટ, તા., ૨૬: રાજકોટ-સૌરાષ્ટ્રના  ખેલાડીઓ માટે સોનાનો સુરજ ઉગ્યો છે. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા કાલાવડ રોડ પર આવેલા પ્રેમ મંદિર પાછળ પાંચ કરોડના ખર્ચે અદ્યતન ખર્ચે સ્પોર્ટસ સેન્ટર બનાવવામાં આવ્યું છે. સાથે સાથે રાજકોટમાં રહીને પોતાની ગેઇમ્સનું શિક્ષણ મેળવી શકે તે માટે ૧૭૦ બેડની લેડીઝ અને ૧૭૦ બેડની બોયઝ ખેલાડીઓ માટે સ્પોર્ટસ  હોસ્ટેલ તૈયાર થઇ ગઇ છે. નવનિર્મિત બંન્ને  સુવિધાઓનું લોકાર્પણ ટુંક સમયમાં થવાનું છે ત્યારે આ સ્થળોની મુલાકાત રાજયના  ગૃહમંત્રી અને સ્પોર્ટસ મીનીસ્ટર હર્ષ સંઘવીએે લીધી હતી.

સુવિધાસભર હોસ્ટેલ રેસકોર્ષ રીંગ રોડ સ્થિત પોલીસ કમિશ્નર બંગલો પાછળ બનાવવામાં આવી છે. ૧૭ કરોડના ખર્ચે ખેલાડીઓ માટે સ્પોર્ટસ સેન્ટર અને હોસ્ટેલ નિર્માણ પામી છે જે ખેલાડીઓના કારકીર્દી નિર્માણમાં મહત્વનો ફાળો આપશે તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

રમત ગમત મંત્રી હર્ષદ સંઘવીએ સ્પોર્ટસ સેન્ટરની મુલાકાત લઇ ત્યાં તાલીમ લઇ રહેલા રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. સ્પોર્ટસ સેન્ટરમાં ઇન્ડોર બાસ્કેટબોલ, બેડમીન્ટન, ટેબલ ટેનીસ, જુડો, રેસલીંગ, જીમ્નાસ્ટીકસ અને જીમ્નેઝીયમની સુવિધા  ઉપલબ્ધ બની છે. શ્રી હર્ષ સંઘવીની મુલાકાત  સમયે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ખાસ અધિકારી અને સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી અર્જુનસિંહ રાણાએ મંત્રીશ્રી હર્ષ સંઘવીનું પરંપરાગત રીતે પાઘડી પહેરાવી અને તલવાર અર્પણ કરી સન્માન કર્યુ હતું. આ તકે મંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ  કમલેશ મિરાણી, મેયર શ્રી પ્રદીપ ડવ,  કલેકટરશ્રી અરૃણ મહેશ બાબુ અને ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે ડીસ્ટ્રીકટ કોર્ટ ઓથોરીટીના કોચ સુશ્રી રમા મદ્રા, જુદી જુદી ગેઇમ્સના કોચીસ, પ્રશિક્ષકો અને ૩૦૦ જેટલા ખેલાડીઓ ઉપસ્થિત રહયા હતા.

(3:35 pm IST)