જીતેશને દારૂના જથ્થા સાથે પકડી લેવાયોઃ રાજદિપ ઉર્ફ ભીમો દારૂ મુકીને ભાગ્યો
માજોઠીનગર અને યુનિવર્સિટી વિસ્તારમાં દારૂના દરોડા : એલસીબી ઝોન-૧ ટીમના વિજેન્દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા, યુનિવર્સિટીના જુવાનસિંહ ગોહિલ અને ગોપાલસિંહ જાડેજાની બાતમી પરથી કાર્યવાહી
રાજકોટ તા. ૨૬: દારૂના ધંધાર્થીઓ પર પોલીસની ધોંસ યથાવત રહી છે. એલસીબી ઝોન-૧ની ટીમે ગઇકાલે માર્કેટ યાર્ડ પાસે કટીંગ વખતે દરોડો પાડી એક લાખનો દારૂ અને ત્રણ વાહનો કબ્જે કર્યા હતાં. વધુ એક દરોડામાં માજોઠીનગર-૨માં રહેતાં જીતેશ ગુણવંતભાઇ રાઠોડ (ઉ.૩૩) નામના શખ્સને રૂા. ૮૩૦૦ના દારૂના જથ્થા સાથે પકડી લેવાયો છે. જેમાં ૭૫૦ એમએલની ૧૨ બોટલો અને ૧૮૦ એમએલની ૩૫ બોટલો હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ. જીતુભા ઝાલાની બાતમી પરથી કબ્જે કરવામાં આવી છે.
પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણાની સુચના મુજબ પીએસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્સ. સામતભાઇ ગઢવી, ધર્મરાજસિંહ જાડેજા, કોન્સ. જીતુભા ઝાલા, દિવ્યરાજસિંહ જાડેજા, સત્યજીતસિંહ જાડેજા અને સત્યજીતસિંહ જાડેજાની ટીમે આ કામગીરી કરી હતી.
બીજા દરોડામાં યુનિવર્સિટી પોલીસની ટીમે વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ભગતસિંહજી ગાર્ડન નજીક કવાર્ટર પાસે ટાંકામાંથી રૂા. ૨૯૧૬૦નો ૩૬ બોટલ દારૂ કબ્જે કર્યો હતો. આ દારૂ વૈશાલીનગરના રાજદિપ ઉર્ફ ભીમો કાનજીભાઇ પઢીયારનો હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. આ શખ્સ અગાઉ પ્ર.નગરમાં દારૂના ગુનામાં પકડાયો હતો. હેડકોન્સ. જુવાનસિંહ ગોહિલ, કોન્સ. ગોપાલસિંહ જાડેજાની બાતમી પરથી ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી પી. કે. દિયોરાની સુચના મુજબ પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ બી. જી. ડાંગર, હેડકોન્સ. યુવરાજસિંહ ઝાલા, ભગીરથસિંહ ખેર, જુવાનસિંહ ગોહિલ, કોન્સ. ગોપાલસિંહ, વનરાજભાઇ લાવડીયા, બ્રિજરાજસિંહ ગોહિલે આ કામગીરી કરી હતી.