રાજકોટ
News of Saturday, 26th May 2018

સદરમાં જૈનમ મારફાણીને પતિ મોઇને લાકડી-ઢીકાપાટુનો બેફામ માર માર્યો

માવતરેથી ત્રણ લાખ લઇ આવવા કહી મારકુટ કર્યાનો પિતા યાસીનભાઇનો આરોપ

રાજકોટ તા. ૨૬: સદર બજારમાં જુમ્મા મસ્જીદ પાસે રહેતી જૈનમ મોઇન મારફાણી (મેમણ) (ઉ.૨૧) નામની પરિણીતાને પતિ મોઇને રાત્રે અગિયારેક વાગ્યે લાકડીથી બેફામ માર મારતાં વાંસા, પગમાં ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. માવતરેથી ત્રણ લાખ રૂપિયા લઇ આવવાનું કહી જમાઇએ મારકુટ કર્યાનું જૈનમના પિતા યાસીનભાઇ મજીદભાઇ બકાલીએ જણાવ્યું હતું.

જૈનમને રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ચોકીના એએસઆઇ હરેશભાઇ રત્નોત્તર અને ધીરેનભાઇ ગઢવીએ પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. જૈનમના લગ્ન બે વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક પુત્ર છે. પતિ મોઇનને ઘર પાસે જ મોઇન કિરાણા સ્ટોર નામે દુકાન છે. જૈનમના પિતા યાસીનભાઇ મુળ ધોરાજીના છે અને હાલમાં ગિરનાર સિનેમા પાસે ભુંગળા-બટેટાની રેંકડી રાખી ધંધો કરે છે.

યાસીનભાઇએ જણાવ્યું હતું કે જૈનમ તેની એકની એક દિકરી છે. લગ્નના છ મહિના બાદ જ પતિએ માવતરેથી પૈસા લઇ આવવાનું કહી મારકુટ કરી ત્રાસ ગુજારતાં દિકરી રિસામણે આવી હતી. બાદમાં જમાત મારફત સમાધાન કરી મોઇન તેને ફરીથી તેડી ગયો હતો. હવે તેને દેણુ થઇ ગયું હોઇ ફરીથી મારી દિકરીને માવતરેથી ત્રણ લાખ લઇ આવવાનું કહી ત્રાસ ગુજારે છે. ગત રાતે આ કારણોસર જ લાકડી તેમજ ઢીકા-પાટુનો માર માર્યો હતો.

પોલીસે ફરિયાદ નોંધવા કાર્યવાહી કરી હતી. (૧૪.૬)

(12:43 pm IST)