રાજકોટ
News of Saturday, 26th May 2018

માહી ડેરી દ્વારા ફોર્ટીફાઈડ દૂધ લોન્ચ

ટાટા ટ્રસ્ટ અને એનડીડીબીનો સહયોગઃ જુનાગઢ, કચ્છ પ્લાન્ટને પણ આવરી લેવાશે

રાજકોટ,તા.૨૬: કેન્દ્ર સરકાર દ્વારા કુપોષણ દૂર કરવા શરૂ કરાયેલ ઝુંબેશમાં યોગદાન આપી શકાય અને બાળકો તથા યુવાનોની શારીરિક ક્ષમતા સુધારવાના હેતુથી માહી દૂધમાં ફોર્ટીફિકેશન શરૂ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ તથા ટાટા ટ્રસ્ટના સહકારથી દૂધ ઉત્પાદકોની પોતાની કંપની માહી મિલ્ક પ્રોડ્યુસર કંપનીએ તેના વિવિધ દૂધ ઉત્પાદનોમાં  વિટામીન એ અને ડી ઉમેરીને ફોર્ટીફાઈડ દૂધ માર્કેટમાં રજૂ કર્યુ છે.

આપણા શરીરને કાર્યરત રાખવા વિવિધ વિટામિનોની જરૂરીયાત હોય છે તેમા પણ જો કોઈ વિટામિનની ઉણપ રહી જાય તો સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલી ઉભી થાય છે. નેશનલ ન્યુટ્રિશન મોનિટરિંગ બ્યૂરો દ્વારા હાથ ધરાયેલા સર્વે અને આઈસીએમઆરના નિષ્ણાંત જુથના એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આપણા દેશમાં નાના બાળકો અને યુવાનોમાં વિટામિન એ અને ડીની મોટી ખામી છે અને તેના કારણે હાડકા તથા આંખને લગતા રોગો ઝડપથી વધી રહ્યા છે. વિટામિનોની માનવ શરીરમાં જરૂૈરિયાત પૂરી કરવા કેન્દ્ર સરકાર દ્વારા સમાયાંતરે પગલા લેવાઈ રહ્યા છે અને વિવિધ ખાદ્ય પદાર્થોમાં તેની પૂર્તતા કરવા પહેલ પણ કરાઈ છે. દૂધ એ વિટામિન એ નો સૌથી સારો સ્ત્રોત છે પરંતુ ઓછા ફેટવાળા દૂધમાં તેનું પ્રમાણ નહિવત થઈ જાય છે. તેથી વિટામિન એ તથા ડીની પૂર્તતા કરવા એનડીડીબીના ટેકનિકલ સહકાર અને ટાટા ટ્રસ્ટના આર્થિક સહયોગથી માહી કંપનીએ તેના વિવિધ દૂધના ઉત્પાદનોમાં વિટામિન એ તથા ડી ઉમેરીને ફોર્ટીફાઈડ દૂધ લોન્ચ કર્યુ છે.

આ સમારંભમાં રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના એકિઝકયૂટિવ ડીરેકટર શ્રી સંગ્રામ ચૌધરી, જનરલ મેનેજર શ્રી મિનેશ શાહ, ટાટા ટ્રસ્ટના શ્રી વિવેક અરોરા, શ્રી સતાક્ષી શર્મા, આરોગ્ય અધિકારી આરએમસી ડો.પંકજ રાઠોડ, ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડેઝીગ્નેટેડ ઓફિસર શ્રી લલિત ફળદુ, માહી મિલ્ક પ્રોડ્યૂસર કંપનીના ચીફ એકિઝકયૂટિવ શ્રી યોગેશકુમાર પટેલ, ડેપ્યુટી ચીફ એકિઝકયૂટિવ ડો.સંજય ગોવાણી, મધર ડેરીના મિલન પરીખ ઉપરાંત વિતરકો ઉપસ્થિત રહ્યા હતા.માહિ દ્વારા શરૂ કરાયેલફી ફોર્ટીફિકેશનયુકત દૂધ ઉપલબ્ધ કરવાની આ કામગીરી અંતર્ગત શરૂઆતમાં જુનાગઢ પ્લાન્ટને આવરી લેવામાં આવ્યો છે અને બીજા તબકકામાં કચ્છ પ્લાન્ટને આવરી લેવામાં આવશે. જુનાગઢ પ્લાન્ટમાં પેક કરતા તાજા, ફિટ એન્ડ ફાઈન, ચાય શકિત, ચાય સ્પેશ્યલ અને લાઈટ એટલેકે સ્ટાન્ડર્ડ, ટોન્ડ, ડબલ ટોન્ડ અને સ્ક્રીમ્ડ દૂધ ફોર્ટીફાઈડ કરી સૌરાષ્ટ્રના જુનાગઢ, રાજકોટ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર અને અમરેલીના વિવિધ વિસ્તારોમાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ વધુ ગુણવત્તાયુકત દૂધ માહી કંપની દ્વારા કોઈપણ જાતના ભાવ વધારા વિના અને જથ્થામાં પણ કોઈ જાતના ઘટાડા વિના ઉપલબ્ધ કરાવાયું છે.(૩૦.૨)

(12:01 pm IST)