રાજકોટ
News of Saturday, 26th May 2018

શાપર-વેરાવળમાં ચમાર યુવાનને મોતને ઘાટ ઉતારી દેનાર આરોપીઓને પત્નીએ ઓળખી બતાવ્યા

સાહેબ, આ જ શખ્સોએ મારા પતિને કારખાનામાં બાંધી પાઇપ-પટ્ટા મારી પતાવી દીધા'તાઃ પકડાયેલ કારખાનેદાર જયસુખ રાદડીયા સહીત ૪ આરોપીઓના વધુ ત્રણ દિ'ના રીમાન્ડ મંજુર

રાજકોટ, તા., ૨૬: શાપર-વેરાવળમાં ચમાર યુવાન પર ચોરીનું આળ મુકી કારખાનામાં ગોંધી રાખી પટેલ કારખાનેદાર સહીત પાંચ શખ્સોએ બેરહમીથી માર મારી મોતને ઘાટ ઉતારી દિધાના બનાવમાં ઓળખ પરેડમાં આરોપીઓને મૃતકના પત્નીએ ઓળખી બતાવ્યા હતા. પકડાયેલ ચારેય આરોપીઓને કોર્ટે વધુ ત્રણ દિવસના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

મળતી વિગતો મુજબ શાપર-વેરાવળના મારૂતી પાર્ક સોસાયટીમાં રહેતા મુકેશભાઇ વાણીયા (ઉ.વ.૪૦) તેમના પત્ની જયાબેન અને કાકીજી સાસુ સવિતાબેન શાપરના ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં કચરો વિણવા ગયા હતા ત્યારે ત્રણેય પર ચોરીનું આળ મુકી પાંચ શખ્સોએ બે મહિલા સહીત ત્રણને ઢીકાપાટુનો માર માર્યો હતો.તેમજ મુકેશભાઇને રાદડીયા ઇન્ડસ્ટ્રીઝમાં લઇ જઇ બાંધીને પાઇપ-પટ્ટા ફટકારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસે જયાબેનની ફરીયાદ પરથી પાંચ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી કારખાનેદાર જયસુખ દેવરાજ રાદડીયા તેના બે સાળા સિરાજ વિઠલ વોરા, દિવ્યેશ કિશોર વોરા,  મજુર તેજશ કનુ તથા એક સગીરની ધરપકડ કરી ચારેય આરોપીઓને પાંચ દિવસના રીમાન્ડ પર લીધા હતા.

ગઇકાલે આરોપીઓની ઘટનાના સાક્ષી મૃતકના પત્ની જયાબેન અને કાકીજી સવિતાબેન સમક્ષ ઓળખ પરેડ કરાવવામાં આવી હતી. ચારેય શખ્સોને જોતા જ મૃતકના પત્ની જયાબેન બોલી ઉઠયા હતા. સાહેબ આ લોકોએ જ મારા પતિને કારખાનામાં ઢસડી જઇ બાંધી પાઇપ-પટ્ટા મારી પતાવી દીધા હતા. બીજી બાજુ આરોપીઓના રિમાન્ડ પુરા થતા ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણે તમામ આ ચારેય આરોપીઓને વધુ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે ચારેયના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરી પોલીસ હવાલે કર્યા હતા. (૪.૨)

 

(12:00 pm IST)