રાજકોટ
News of Monday, 26th April 2021

કલેકટરની કાબીલેદાદ કામગીરીઃ રાજકોટના દિવ્યાંગ બાળક પાર્થ અને પિતા અમોલની જીંદગી બચાવી લીધી

પાર્થનું ઓકસીજન ૭પ થઇ ગયું હતું: પિતા અમોલના હાર્ટબીટ ૪પ-પ૦ એ પહોંચી ગયા હતા : ગઇકાલે વહેલી સવારે પ.૩૦ વાગ્યે બંન્નેને એડી. કલેકટરે ધડાધડ સમરસમાં દાખલ કરાવ્યાઃ તબીયત સુધારા પર : દશા સોરઠીયા વણીક જ્ઞાતિનો આણંદપરા પરીવાર ગઇકાલે ધ્રુજી ઉઠયો હતોઃ માતા પ્રિતીનો શ્વાસ હેઠો બેઠોઃ સમરસ ખાતે પ્રાંત ચરણસિંહ અને મામલતદારો દંગી-કથીરીયા સતત ખડેપગે

રાજકોટ, તા., ૨૬: રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહન અને એડી. કલેકટર શ્રી પરીમલ પંડયાએ ગઇકાલે રજાના દિવસે વહેલી સવારે પ થી પાાની વચ્ચે કાબીલેદાદ કામગીરી કરી યુધ્ધના ધોરણે નિર્ણય લઇ રાજકોટના ૧૭ વર્ષના એક દિવ્યાંગ બાળક પાર્થ આણંદપરા અને તેમના પિતા અમોલ આણંદપરાની જીંદગી બચાવી લીધી હતી.

વિગતો મુજબ ઉપરોકત બન્ને પિતા-પુત્રને કોરોના વળગ્યો હતો. ઘરેડોકટરો દ્વારા સારવાર ચાલુ હતી. આ દરમિયાન શનિવારે રાત્રે પાર્થની તબીયત બગડી-તાવ ચડયો હતો અને ઓકસીજન લેવલ ૭૪-૭પ થઇ જતા અને પુત્રની આ સ્થિતિ જોઇ પિતા અમોલના હાર્ટબીટ ૪પ થી પ૦ થઇ જતા પરીવાર ધ્રુજી ઉઠયો હતો. આ ઘટનાની જાણ થતા જ તુર્ત જ કલેકટરનો વહેલી સવારે પ વાગ્યે ફોન ઉપર સંપર્ક કરાયો. રાત્રે રાા વાગ્યા સુધી ફરજ ઉપર રહયા બાદ ઘરે પહોંચેલા કલેકટર શ્રી રેમ્યા મોહને તુર્ત જ ફોન ઉપાડયો. સ્થિતી જાણી અને તુર્ત જ ધડાધડ કાર્યવાહી કરી સમરસ હોસ્ટેલમાં ફરજ ઉપર રહેલા મામલતદાર દંગીને સુચના આપતા ઉપરોકત બંને પિતા-પુત્ર માટે એક જ બેડમાં દાખલ કરવાની વ્યવસ્થા કરાઇ અને ધડાધડ ઓકસીજન ચડાવાતા બંનેની જીંદગી બચી ગઇ. આજના બપોરના રીપોર્ટ મુજબ બંનેની મેડીકલ ટ્રીટમેન્ટ ચાલુ છે અને તબીયત સુધારા ઉપર છે. સમસર ખાતે સીટી પ્રાંત-ર ચરણસિંહ ગોહીલ, મામલતદાર શ્રી દંગી અને શ્રી કથીરીયા તથા મહેસુલ સ્ટાફ તમામ ડોકટરો-નર્સ વિગેરે ખડેપગે સેવા આપી રહયા છે આ દિવ્યાંગ બાળકની સતત સારસંભાળ લેવાઇ રહી છે. સિવીલમાં પાર્થને દાખલ કરી શકાય તેમ ન હતો. કારણ કે એકલો રાખી શકાય તેમ ન હોય. સમરસમાં જ ત્વરીત નિર્ણય લઇ પિતા-પુત્રને દાખલ કરી દેવાયો હતો. બાપ-દિકરાની આ હાલત જોઇ પાર્થની માતા અને પરીવાર ધ્રુજી ઉઠયા હતા. આજે તેમણે જણાવેલ કે મારો શ્વાસ હેઠો બેઠો છે. કલેકટર અને અન્ય તમામ અધિકારીઓ ગઇકાલે વ્હેલી સવારે અમારા માટે 'ભગવાન' બનીને આવ્યા અને મારા દિકરાનો જીવ બચી ગયો.

(3:58 pm IST)