રાજકોટ
News of Monday, 26th April 2021

શહેરની તમામ કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનોનું રોજ ચેકીંગ

સુરતમાં કોવિડ હોસ્પિટલમાં આગના બનાવ બાદ સરકાર સાવચેત : દરેક ફાયર સ્ટેશનનો સ્ટાફ તેની હદમાં આવતી કોવિડ હોસ્પિટલના સાધનો ચાલુ છે કે કેમ ? સ્ટાફને ઓપરેટ કરતા આવડે છે કે કેમ ? ઓકસીજન લીક તો નથી ને ? વગેરે બાબતોનું રોજેરોજ ચેકીંગ કરશે

રાજકોટ તા. ૨૬ : સુરતમાં કોવિડ હોસ્પિટલમાં આગની દુર્ઘટના બનતા સરકારે રાજ્યની તમામ કોવિડ હોસ્પિટલોમાં આગ - અકસ્માત વખતે બચાવના સાધનો પૂરતા છે કે કેમ ? તેની તપાસના આદેશો આપ્યા છે.

જે અનુસંધાને રાજકોટ મ.ન.પા. દ્વારા પણ શહેરની તમામ ૩૧થી વધુ કોવિડ હોસ્પિટલોમાં ફાયર - સેફટીના સાધનો અંગે તપાસ શરૂ કરાઇ છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મ.ન.પા.ના તમામ ફાયર સ્ટેશનોના ઓફિસરોને તેઓની હદમાં આવતી કોવિડ હોસ્પિટલોમાં જઇ આ હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનો પૂરતા છે કે કેમ? આ સાધનો બરાબર ચાલે છે કે કેમ ? પાણીનો જથ્થો છે કે કેમ ? હોસ્પિટલ સ્ટાફને ફાયર સેફટી સાધનો ચલાવતા આવડે છે કે કેમ? કયાંય ઓકસીજન લીકેજ નથીને ? વગેરે તમામ બાબતોનું ચેકીંગ કરી ખૂટતા સાધનો પૂરા કરાવવામાં તથા સાધનોના ઓપરેટીંગ વગેરે બાબતે હોસ્પિટલ સંચાલકોને સહાયતા કરવા સૂચનાઓ અપાઇ છે.

(3:04 pm IST)