રાજકોટ
News of Monday, 26th April 2021

વામ્બે આવાસ કવાર્ટરના જીગો ઉર્ફ જયનો લગ્નની લાલચ આપી ત્યકતા ઉપર બળાત્કાર

તાલુકા પોલીસે ગુનો નોંધ્યોઃ ચાર વર્ષની દિકરીને મારી નાંખવાની ધમકી પણ આપ્યાનો આરોપ

રાજકોટ તા. ૨૬: શહેરના કાલાવડ રોડ પર વામ્બે આવાસ કવાર્ટરમાં રહેતાં જીગો ઉર્ફ જય ગોૈતમભાઇ સોંદરવા નામના શખ્સે એક ત્યકતાને ફસાવી લગ્નની લાલચ આપી તેમજ તેની દિકરીને મારી નાંખવાની ધમકી આપી બળજબરીથી શરીરસંબંધ બાંધી લઇ બળાત્કાર ગુજારતાં પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો છે.

તાલુકા પોલીસ સુધી આ મામલો પહોંચતા ભોગ બનનાર પુખ્ત વયની મહિલાની ફરિયાદ પરથી જીગો ઉર્ફ જય સોંદરવા સામે આઇપીસી ૩૭૬, ૪૦૬, ૪૨૦, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. ભોગ બનનારે ફરિયાદમાં જણાવ્યું છે કે છેલ્લા બે મહિના દરિયાન આરોપીએ તેણીને લગ્નની લાલચ આપી બાદમાં લગ્ન ન કરી તેમજ તેણીની ચાર વર્ષની દિકરીને મારી નાંખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો.

મુળ જુનાગઢ પંથકની મહિલાના છુટાછેડા થઇ ગયા છે અને તેને એક દિકરી છે. રાજકોટમાં કેટલાક મહિના પહેલા જ રહેવા આવી છે. તેણીની દિકરી નાસ્તો લેવા આવતી જતી હોઇ જીગો ઉર્ફ જય તેને રમાડતો હતો અને ઘરે મુકવા જતો હતો. આ રીતે બાળકીની માતા સાથે પરિચયમાં આવ્યો હતો અને બાદમાં તેણે લગ્નની લાલચ આપી પોતાની જાળમાં ફસાવી બળજબરીથી સંબંધો બાંધી લઇ બાદમાં લગ્ન ન કરી આ મહિલાની ચાર વર્ષની દિકરીને પણ મારી નાંખવાની ધમકી આપ્યાનો ફરિયાદમાં આરોપ મુકાયો છે.

તાલુકા પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ પી. એમ. રાઠવા, ભરતભાઇ વનાણી, પ્રવિણભાઇ જીલરીયા સહિતે ગુનો નોંધી ૨૧ વર્ષના આરોપીને સકંજામાં લઇ વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:38 am IST)