રાજકોટ
News of Friday, 26th April 2019

પ્રેમ મંદિર પાસે પોસ્‍ટઓફિસમાં ચોર ત્રાટક્‍યાઃ ગેસ કટરથી સ્‍ટ્રોંગ રૂમની તિજોરી કાપી રોકડની ચોરી

તસ્‍કરોએ પહેલા બહારના સીસીટીવી કેમેરા ઉંધા કરી નાંખ્‍યાઃ પછી અંદર જઇ સાતેક કેમેરાના વાયર કાપી નાંખ્‍યાઃ ડીવીઆર પણ ચોરતાં ગયા : સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટી એરિયાની બ્રાંચ પોસ્‍ટ ઓફિસમાં સિક્‍યુરીટી ગાર્ડ પણ નહોતા રખાયાઃ સ્‍કરોએ ચોરી પહેલા રેકી કર્યાની શક્‍યતાઃ બ્રાંચ મેનેજર જે. પી. સોમૈયાની ફરિયાદઃ ચોરટાઓને રૂા. ૪૨,૭૯૧નો લાભ થયો

જ્‍યાં ચોરી થઇ તે પોસ્‍ટ ઓફિસ, તસ્‍કરોએ તોડી નાંખેલો દરવાજો, ગેસ કટરથી કાપી નાંખેલી સ્‍ટ્રોંગ રૂમની તિજોરી તથા કાપી નાંખેલા સીસીટીવીના વાયરો અને ઇન્‍સેટમાં બ્રાંચ મેનેજર જયસુખભાઇ પરષોત્તમભાઇ વસોયા જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૬: તસ્‍કરોએ યુનિવર્સિટી રોડ પ્રેમ મંદિર પાછળ આવેલી સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટી એરિયાની બ્રાંચ પોસ્‍ટ ઓફિસમાં ત્રાટકી સ્‍ટ્રોંગ રૂમની તિજોરી ગેસ કટરથી કાપી રોકડ ચોરી લેતાં પોલીસે તપાસ આદરી છે.

જાણવા મળેલી માહિતી મુજબ સાંજે સાડા સાતેક વાગ્‍યે પોસ્‍ટ ઓફિસ બંધ કરવામાં આવી હતી. સવારે પોસ્‍ટમેન આવ્‍યા ત્‍યારે દરવાજાના નકુચા તાળા તૂટેલા જોવા મળ્‍યા હતાં. અંદર તપાસ કરતાં ચોરી થયાનું જણાતાં તેણે બ્રાંચ મેનેજર શ્રી જયસુખભાઇ પરષોત્તમભાઇ વસોયાને જાણ કરતાં તેઓ દોડી આવ્‍યા હતાં અને તપાસ કરતાં તસ્‍કરો સ્‍ટ્રોંગ રૂમની તિજોરી ગેસ કટરથી કાપીને રૂા. ૪૨,૭૯૧ની રોકડ ચોરી ગયાનુ જણાયું હતું.

પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ તસ્‍કરોએ પહેલા પોસ્‍ટ ઓફિસની બહારના ભાગના સીસીટીવી કેમેરા ઉંધા કરી નાંખ્‍યા હતાં. એ પછી અંદર જતાં જ અંદરના સીસીટીવીના કેબલો કાપી નાંખ્‍યા હતાં. ત્‍યારબાદ ગેસ કટરનો ઉપયોગ કરી સ્‍ટ્રોંગ રૂમની તિજોરી કાપી નાંખી હતી અને ંદરથી રોકડ ચોરી લીધી હતી. જતાં-જતાં તસ્‍કરો સીસીટીવીનું ડીવીઆર તેમજ કોમ્‍પ્‍યુટર નેટ કનેક્‍શનનું રાઉટર પણ લેતાં ગયા હતાં. ચોરીના બનાવને પગલે પોસ્‍ટ ઓફિસના સ્‍ટાફમાં દોડધામ મચી ગઇ હતી.

બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. આચાર્યની રાહબરીમાં પીએસઆઇ એમ. વી. રબારી, એએસઆઇ ખુશ્‍બુબેન કાનાબાર, બ્રિજરાજસિંહ, રવિરાજસિંહ સહિતની ટીમે પહોંચી તપાસ કરી હતી. ડોગ સ્‍ક્‍વોડ અને ફિંગર પ્રિન્‍ટ નિષ્‍ણાંતોની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. તસ્‍કરોએ ચોરી કરતાં પહેલા રેકી કરી હોવાની શક્‍યતા છે. સદ્દનસિબે તિજોરીમાં મોટી રોકડ નહોતી. જો કે તિજોરી કાપી નાંખવામાં આવી હોઇ મોટુ નુકસાન થયું છે. પોલીસે આસપાસમાં ક્‍યાંય સીસીટીવી કેમેરા છે કે કેમ? તે અંગે તપાસ શરૂ કરી છે.

 

(4:21 pm IST)