રાજકોટ
News of Friday, 26th April 2019

'દિકરાનું ઘર' વૃદ્ધાશ્રમમાં રવિવારે મીની આઈસીયુ સેન્ટર : અદ્યતન ફોટો ગેલેરીનું લોકાર્પણ

પૂ.નમ્રમુનિ મ.સા.ના અનુયાયીઓ અને મહેતા પરિવારની ઉપસ્થિતિમાં

રાજકોટ, તા. ૨૬ : શહેરની ભાગોળે આવેલ ધરતીપુત્રોનું ઐતિહાસિક ધામ ઢોલરા ખાતે છેલ્લા ૨૧ વર્ષોથી સેવાની અખંડ જયોત સાથે કામ કરતું સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટનું 'દિકરાનું ઘર' વૃદ્ધાશ્રમ ચાલે છે. જેમાં ૫૪ માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક પામી રહ્યા છે. ''દિકરાનું ઘર'' વૃદ્ધાશ્રમ એ આજે સૌરાષ્ટ્રનું તીર્થસ્થાન બની ગયુ છે. સામાન્ય રીતે વૃદ્ધાશ્રમમાં શું જોવાનું હોય એવો એક પ્રશ્ન દરેકના મનમાં હોય, પરંતુ સમગ્ર ભારતનું આ મોડેલ કહી શકાય એવા વૃદ્ધાશ્રમની આજ સુધીમાં ૫ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હોવાનું સંસ્થાના આગેવાનોએ યાદીમાં જણાવ્યુ છે.

'દિકરાનું ઘર' વૃદ્ધાશ્રમમાં લગભગ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. જેમાં શ્રવણની પ્રતિકૃતિ દર્શાવતો કલાત્મક ગેઈટ, ભગવાન શિવજીનું મંદિર, આકર્ષક ફુવારા, હોટલથી પણ ચડીયાતા માવતરો માટેના રૂમની વ્યવસ્થા, અદ્યતન ભોજનાલય, સ્ટાફ કવાર્ટર, મહેમાનો માટે વીઆઈપી ઉતારો, ૮૫ સીટનું અદ્યતન ઓડીટોરીયમ કમ થિયેટર, ધ્યાન મંદિર, સૌરાષ્ટ્રનું પ્રથમ ભારત માતાનું મંદિર, વડીલો માટે રીક્રીએશન કલબ, આકર્ષક ગાર્ડન, અદ્યતન લાઈબ્રેરી, કોર્પોરેટ ઓફીસ સહિતની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે ત્યારે ''દિકરાનું ઘર'' સમર્પિત ટીમ દ્વારા વધુ બે સુવિધાઓ ભેટ આપવા જઈ રહી છે. જેમાં વડીલોની બિમારી સમયે સારવાર મળી રહે તે માટે મીની આઈસીયુ સેન્ટર તેમજ ''દિકરાનું ઘર'' સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટની બે દાયકાની સેવા પ્રવૃતિનો ચિતાર આપતી અદ્યતન ફોટો ગેલેરીનો સમાવેશ થાય છે.

આ અંગેની માહિતી આપતા મુકેશ દોશી, અનુપમ દોશી, નલીન તન્ના, સુનિલ વોરા તેમજ હસુભાઈ રાચ્છે વધુમાં જણાવ્યુ છે કે ''દિકરાનું ઘર''માં જરૂરીયાત મુજબની સુવિધાઓનો સમયાંતરે ઉમેરો થતો રહે છે. જેના ભાગરૂપે વધુ બે સુવિધા લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. આગામી તા.૨૮ના રવિવારના રોજ સાંજના ૬ કલાકે શહેરના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની હાજરીમાં મીની આઈસીયુ સેન્ટર અને અદ્યતન ફોટો ગેલેરીનું લોકાર્પણ કરવામાં આવશે.

''દિકરાનું ઘર'' વૃદ્ધાશ્રમની મુલાકાતે પધારેલ રાષ્ટ્ર સંત પૂજય નમ્રમુનિ મહારાજે સંસ્થાની જરૂરીયાતને ધ્યાને લઈ મીની આઈસીયુ સેન્ટર માટે રૂ.૭ લાખનું અનુદાન આપ્યુ હતું. તેમજ ''દિકરાનું ઘર'' વૃદ્ધાશ્રમના કાયમી દાતા - સ્વજન, સાહિત્ય પ્રેમી સ્વ.રસીકભાઈ મહેતા પરીવારના હરેનભાઈ - નરેનભાઈ મહેતા તરફથી રૂ.૧,૫૧,૦૦૦ની માતબર રકમનું દાન આપવામાં આવ્યુ હતું. આ પ્રસંગે સ્વ.રસીકભાઈ મહેતા પરીવારજના સ્વજનો તેમજ રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મહારાજના અનુયાયીઓ હાજર રહી આઈસીયુ સેન્ટર ખુલ્લુ મુકશે. આ કાર્યક્રમનું માર્ગદર્શન સંસ્થાના મૌલેશભાઈ ઉકાણી, શિવલાલભાઈ આદ્રોજા, ધીરૂભાઈ રોકડ, વલ્લભભાઈ સતાણી, ડો.નિદત બારોટ, પ્રતાપભાઈ પટેલ તેમજ કાર્યક્રમની વ્યવસ્થા કિરીટભાઈ આદ્રોજા, કિરીટભાઈ પટેલ, સુનિલ મહેતા, ઉપેન મોદી, હરેશભાઈ પરસાણા તથા કાર્યક્રમને યશસ્વી બનાવવા સંસ્થાના પ્રવિણ હાપલીયા, ડો.હાર્દિક જોષી, રાકેશ ભાલાળા, જીતુભાઈ ગાંધી, શૈલેષ દવે, અશ્વિનભાઈ પટેલ, આશિષ વોરા, ડો.પ્રતિક મહેતા, વર્ષાબેન આદ્રોજા, ચેતના પટેલ, કિરણબેન વડગામા, સ્વાતીબેન જોષી, કલાબેન પારેખ, અંજુબેન સુતરીયા, અરૂણાબેન વેકરીયા પ્રયત્ન કરી રહ્યા છે.

તસ્વીરમાં 'દિકરાનું ઘર' વૃદ્ધાશ્રમના આગેવાનો સર્વશ્રી મુકેશ દોશી, ઉપેન મોદી, કિરીટભાઈ પટેલ અને નલીન તન્ના નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(4:18 pm IST)