રાજકોટ
News of Friday, 26th April 2019

બ્રહ્મ જાણનારો જ બ્રહ્મ છે

જેને બંધ ને મોક્ષ મટી ગયાં, આપ ઇચ્છાએ આવે રે,એવા ભોજલ વેત્ત્।ા બ્રહ્મના, અંતે બ્રહ્મ સમાવે રે.

આ પ્રકારના વિચારો અનેક પંકિતઓમાં ભોજા ભગતે આપ્યા છે. તેથી થોડી પુનરૂકિત થશે. પરંતુ સદ્વિચાર અને સદ્-આચારની જેમ વધુ પુનરૂકિતઓ થાય તેમ વધુ સારું. મનુષ્ય સ્વભાવ એવો છે કે આપણને પ્રિય લાગે તેવી વાત કે વસ્તુની પુનરૂકિત આપણને આનંદ આપે છે. જેમ કે આપણા એકસરખા ગુણનાં કોઈ વારે વારે વખાણ કરે તો ગમે. ભોગવિલાસની વસ્તુઓમાં આપણે પુનરૂકિત કરીએ છીએ અને આવી પુનરૂકિતઓ હાનિકારક છે. જયારે સુવિચાર અને જ્ઞાનની વાતની પુનરૂકિત તો લાભકારક છે, તેથી ભોજા ભગત વારે વારે આ વાત ઉચ્ચારે છે.

જે ભકત બ્રહ્મ જ્ઞાની બન્યો છે અને તેથી બ્રહ્મ મય બની ગયો છે. 'અહં બ્રહ્માસ્મિ ।।'ની અનુભૂતિમાં પરિપકવ થયો છે, તેને પછી સંસારનું બંધન કે સંસારમાંથી મુકિત બન્ને સરખાં છે. એ સંસારમાં પણ રહે અને સંસારને ખંખેરી પણ નાખે જેવી એની મોજ ! સંસારમાં રહે પણ જલકમલવત્! સંસારથી રંગાય નહીં. રામકૃષ્ણ પરમહંસ પણ સંસારમાં જ રહેતા. રમણ મહર્ષિ પણ સંસારમાં જ રહ્યા છે અને મહર્ષિ અરવિંદ પણ સંસારના કુંડાળામાંથી બહાર ન હતા. પરંતુ આ બધા જ્ઞાનીજનોનું સંસારમાં રહેવું અને સામાન્ય જીવનું સંસારમાં રહેવું તેમાં જમીન આસમાનનો ફરક છે. સાચા મોતીનો ઢગલો પડ્યો હોય તોપણ એકને એમાં ઝાકળબિંદુનાં દર્શન થાય, બીજાને કમળપત્ર ઉપર પડેલાં ઝાકળબિંદુઓમાં સાચા મોતીનું સ્વરૂપ દેખાય!

રામકૃષ્ણ પરમહંસ આ વાત સમજાવવા એક સરસ દૃષ્ટાંત આપતા. રાજાના રાજમહેલમાં સાત વિભાગો કે સાત કોઠા હોય. રાજા સ્વતંત્ર છે, એ ધારે તો સાતમી ભૂમિકાએ જઈને બેસે અથવા એની ઇચ્છા થાય તો જે માળમાં જવું હોય ત્યાં એ જાય અને બેસે, વળી એની મરજી થાય તો રાજમહેલમાંથી બહાર પણ નીકળે, કોઈ એને રોકે નહીં, એ પ્રમાણે સમજેલા સંતો કે જ્ઞાની ભકતો સમાધિની સાતમી ભૂમિકામાં પણ પહોંચી જાય અથવા સમાધિમાંથી મુકત થઈ સંસારમાં પણ આવે. પછી એને કોઈ પણ પ્રકારની ભીતિ નહીં. એ સર્વતંત્ર સ્વતંત્ર!(૩૭.૨)

મનસુખલાલ સાવલીયા રાજકોટ - મો.૯૮૭૯૩ ૧૨૪૫૪

(3:46 pm IST)