રાજકોટ
News of Friday, 26th April 2019

રેલનગર શ્રધ્ધા સોસાયટીનો અતુલ કોળી દેશી તમંચા સાથે પકડાયો

એસઓજીના મોહિતસિંહ, ચેતનસિંહ ગોહિલ અને ક્રિપાલસિંહની બાતમી

રાજકોટ તા. ૨૬: શહેર એસઓજીએ વધુ એક ગેરકાયદે હથીયાર શોધી કાઢ્યું છે. હેડકોન્સ. મોહિતસિંહ જાડેજા, કોન્સ. ચેતનસિંહ ગોહિલ અને ક્રિપાલસિંહ ચુડાસમાને મળેલી બાતમી પરથી ભગતવીપરાથી જુના મોરબી રોડ તરફ જવાના રસ્તે વોચ રાખી રેલનગર શ્રધ્ધા સોસાયટી-૧ બ્લોક નં. ૩૧માં રહેતાં કોળી શખ્સ અતુલ દિલીપભાઇ પંચાસરા (ઉ.૧૯)ને રૂ. ૫ હજારના દેશી તમંચા સાથે પકડી લેવાયો છે. આ શખ્સ ઇમિટેશન જ્વેલરીનું કામ કરે છે. તેણે પ્રાથમિક પુછતાછમાં એવી કબુલાત આપી છે કે આ દેશી તમંચો તેના પિતા દિલીપભાઇ વાલજીભાઇ પંચાસરા રાખતાં હતાં. જે હાલમાં હયાત નથી. તે અગાઉ દારૂના ગુનામાં સંડોવાયા હતાં અને પાસા પણ થઇ હતી. પિતાએ ઘરમાં સંઘરેલો તમંચો પોતે શોખ ખાતર લઇને નીકળ્યો હતો. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયાની સુચના અને પી.આઇ. આર. વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ બી. કે. ખાચર, એચ. એમ. રાણા, સ્ટાફના મોહિતસિંહ, રાજેશભાઇ ગીડા, ધમભા રાણા, ચેતનસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ, નરેન્દ્રભાઇ ગઢવી, અનિલસિંહ ગોહિલ સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

(3:29 pm IST)