રાજકોટ
News of Friday, 26th April 2019

તંત્ર જાગે

એનિમલ હોસ્ટેલોમાં પાણી અને છાંયડાનો અભાવઃ ૨૦૦૦ ઢોર કાળાતડકામાં સબડે છે

રાજકોટ, તા. ૨૬ :. છેલ્લા ૫ દિવસથી રાજકોટ શહેરમાં તાપમાનનો પારો ૪૦ ડીગ્રીથી ઉપર જઈ રહ્યો છે. હવામાન વિભાગે હજુ રવિવાર સુધીમાં ૪૫ ડીગ્રી સુધી તાપમાન જઈ શકે છે તેવી આગાહી કરી છે ત્યારે કોર્પોરેશન દ્વારા સંચાલિત શહેરમાં વિવિધ સ્થળે આવેલી એનિમલ હોસ્ટેલોમાં આશ્રય લઈ રહેલા ગાય, બળદ સહિતના પશુઓ આ કાળા ઉનાળામાં પાણી અને છાંયડાની વ્યવસ્થાના અભાવે અસહ્ય તાપમાં સબડી રહ્યા છે ત્યારે તંત્રની આ ઘોરબેદરકારી સામે માલધારીઓ અને જીવદયાપ્રેમીઓમાં જબરો રોષ પ્રવર્તી રહ્યો છે.

આ અંગેની વિગતો મુજબ શહેરમાં રખડુ ઢોરની સમસ્યા ઉકેલવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા મવડી, કોઠારીયા, રોણકી અને રૈયાધારમાં એમ ૪ એનિમલ હોસ્ટેલો બનાવવામાં આવી છે. આ એનિમલ હોસ્ટેલોમાં જે માલધારીઓ પાસે પોતાના નિવાસ સ્થાને નિયમ મુજબ ઢોર રાખવા માટેની વ્યવસ્થા ન હોય તેવા માલધારીઓ આ હોસ્ટેલોમાં પોતાના પશુઓ રાખે છે. દરમિયાન એનિમલ હોસ્ટેલની સારસંભાળ લેવામાં મ્યુ. કોર્પોરેશનના જવાબદાર તંત્રવાહકો દ્વારા ઘોરબેદરકારી દાખવવામાં આવતા આ એનિમલ હોસ્ટેલોમાં શેડના છાપરા ઉડી ગયા છે એટલે ગાયો સહિતના પશુઓ તડકામાં શેકાઈ રહ્યા છે તેવી જ રીતે અવેડામાં પાણીનો અભાવ જોવા મળે છે અને અત્યંત ગંદુ અને શેવાળવાળુ માત્ર તળીયુ ઢંકાઈ તેટલુ જ પાણી હોય હોસ્ટેલમાં રહેલ પશુઓ પાણી માટે તરસી રહ્યા છે.

આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા રાજમાર્ગો ઉપરથી પકડવામાં આવેલા રખડુ ઢોરને રાખવા માટેના ઢોર ડબ્બામાં પણ પાણી - છાંયડાના અભાવે પશુઓની હાલત અત્યંત દયનીય બની છે.   સત્તાવાર આંકડાકીય માહિતી મુજબ મવડી એનિમલ હોસ્ટેલમાં ૨૨૫ જેટલા ઢોર આશ્રય લઈ રહ્યા છે. ત્યાં પાણી માટે બોર હતો પરંતુ તે ડુકી જતા આ હોસ્ટેલમાં ટેન્કર દ્વારા પાણીની વ્યવસ્થા થાય છે પરંતુ તેમા બેદરકારીના કારણે ઘણી વખત પશુઓ તરસ્યા રહે છે.

જ્યારે કોઠારીયામાં ૫૫૦ પશુઓ આશ્રય લઈ રહ્યા છે. પાણીની લાઈનની વ્યવસ્થા છે પરંતુ છાંયડાની વ્યવસ્થા નથી. જ્યારે રોણકીમાં ૯૦ અને રૈયાધારની એનિમલ હોસ્ટેલમાં ૧૦૦ પશુઆ આશ્રય લઈ રહ્યા છે.

આ ઉપરાંત રખડુ ઢોર માટેના રામનાથપરાના ઢોર ડબ્બામાં ૨૨૦ ઢોર અને ૮૦ ફુટ રોડ ઉપર ખુલ્લા મેદાનમાં બનાવાયેલ ઢોર ડબ્બામાં ૯૦૦ પશુઓ આશ્રય લઈ રહ્યા છે. અહીં પાણી અને છાંયડાની અવ્યવસ્થા અંગે માલધારી ભાઈઓએ અગાઉ અનેક વખત રજૂઆતો અને ફરીયાદો કરી છે. આમ આ બળબળતા તાપમાં પશુઓ પાણી અને છાંયડાના અભાવે એનિમલ હોસ્ટેલ તથા ઢોર ડબ્બામાં સબડી રહ્યા છે ત્યારે આ પ્રશ્ને તંત્ર વાહકો ગંભીરતા દાખવે અને મૂંગા પશુઓ માટે તાત્કાલીક પાણી તથા છાંયડાની વ્યવસ્થા કરાવે તેવી ઉગ્ર માંગ માલધારીઓ અને જીવદયા પ્રેમીઓમાં ઉઠવા પામી છે.

(3:02 pm IST)