રાજકોટ
News of Thursday, 26th March 2020

અનાજની જરૂરીયાત ઉભી થશે તો જ રાજકોટ માર્કેટયાર્ડ ચાલુ કરાશેઃ ચેરમેન ડી.કે. સખીયા

કલેકટર સાથે મીટીંગ બાદ સીએમ વિજયભાઈ રૂપાણી સાથે ટેલીફોનિક ચર્ચા થઈ, તેઓએ પણ આ જ સૂર વ્યકત કર્યોઃ હાલ યાર્ડમાં અનાજનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે : યાર્ડ ચાલુ થાય તો દલાલો, વેપારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડે અને લોકડાઉનમાં સ્થિતિ કાબુમાં ન રહેઃ રાજ્ય સરકારનું ધ્યાન દોરતા ચેરમેન ડી.કે. સખીયા

રાજકોટ, તા. ૨૬ :. કોરોના વાયરસ સંદર્ભે કેન્દ્ર સરકારે ૧૪ એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરેલ છે ત્યારે આ સમયગાળામાં જીવન જરૂરી અનાજ સહિતની વસ્તુઓની અછત ન સર્જાય તે માટે ગઈકાલે રાજ્ય સરકારે તમામ યાર્ડ ચાલુ કરવાની આપેલ સૂચના અન્વયે રાજકોટ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યુ હતુ કે, અનાજની જરૂરીયાત ઉભી થશે તો જ રાજકોટ યાર્ડ ચાલુ કરાશે. હાલમાં રાજકોટ યાર્ડમાં અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.

યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે રાજ્ય સરકારની યાર્ડ ચાલુ કરવાની સૂચના અન્વયે ગઈકાલે રાત્રે જિલ્લા કલેકટર સાથે યાર્ડના પદાધિકારીઓની મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં રાજકોટના નવા તથા જૂના યાર્ડમાં અનાજનો પુરતો જથ્થો ઉપલબ્ધ હોવાની વિગતો રજુ કરાઈ હતી. ત્યાર બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ટેલીફોનિક ચર્ચા કરતા તેઓએ પણ અનાજની જરૂરીયાત ઉભી થાય તો જ યાર્ડ ચાલુ કરવાનો સૂર વ્યકત કર્યો હતો.

હાલમાં રાજકોટ યાર્ડ ચાલુ કરાય તો વેપારીઓ, દલાલો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડે. રાજ્ય અને કેન્દ્ર સરકારે કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે ૧૪ એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરેલ છે ત્યારે જો યાર્ડ ફરી ચાલુ થાય તો લોકડાઉન વચ્ચે સ્થિતિ કાબુમાં ન રહે. હાલમાં રાજકોટ યાર્ડ કોરોના વાયરસ સંદર્ભે બંધ નથી પરંતુ રાજકોટ યાર્ડના વેપારીઓ દર વર્ષે વાર્ષિક હિસાબ માટે ૧૧ દિવસની રજા રાખે છે અને તે અંતર્ગત યાર્ડ બંધ છે. તેમજ યાર્ડના મજુરો પણ વતનમાં ચાલ્યા ગયા છે. મજુરો વગર યાર્ડ ચાલુ કરવુ અશકય છે. વેપારીઓએ અનાજના પુરતા જથ્થાનો સ્ટોક રાખીને જ રજા જાહેર કરી છે.

કોરોના લોકડાઉનની સ્થિતિ વચ્ચે રાજકોટના જૂના યાર્ડમાં અનાજનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે તેમજ રાજકોટના નવા યાર્ડમાં પણ અનાજના ગોડાઉનો ભરેલા છે. ભવિષ્યમાં અનાજની જરૂરીયાત ઉભી થાય તો ચોક્કસ યાર્ડને ચાલુ કરવાની કાર્યવાહી હાથ ધરાશે અને આ વાતને ટેલીફોનિક ચર્ચામાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ સમર્થન આપ્યુ છે તેમ અંતમાં યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યુ છે.

(4:25 pm IST)