રાજકોટ
News of Thursday, 26th March 2020

લોકડાઉનને અનુસરીયા તેમ સોશ્યલ ડીસ્ટન્સને અનુસરવાની સમજદારી પણ દાખવવી પડશે

મનફેર કરવા કે અનાજ-શાકભાજી ખરીદવા બહાર નિકળવુ જ પડે તો વ્યકિતગત અંતર રાખવાના નિયમો ચોકકસ જાળવીએ

રાજકોટ તા. ૨૬ : લોકડાઉનની જાહેરાત થતા જ સૌ ઘરમાં બંધ થઇ ગયા.   બજારો સુમસામ બની. પરંતુ કઇક ને કઇક જરૂરીયા માટે હજુએ લોકો એક બીજાના સંપર્કમાં આવી રહ્યા છે, ત્યારે આ માટે સોશ્યલ ડીસ્ટન્સને અનુસરવાની સમજ પણ દાખવવી પડશે.

આખો દિવસ ઘરમાં રહ્યા હોય તે સારી વાત છે. પરંતુ અકળામણ થાય એટલે સ્વાભાવિક જ સૌ કોઇ ઘરની બહાર નિકળવાના જ છે. ખાસ કરીને સાંજના કે રાત્રીના સમયે લોકો ઘરની બહાર ઓટલે કે ચોકમાં જમાવડો કરતા હોય છે.

મન ફેર કરવા આવુ કરવુ જ પડે તેમ હોય તો ભલે કરીએ પણ સોશ્યલ ડીસ્ટન્સના કાયદાને અનુસરીને કરીએ. એક વ્યકિતથી બીજી વ્યકિત વચ્ચે ઓછામાં ઓછુ એક મીટર એટલે કે અંદાજીત અઢીથી ત્રણ ફુટનું અંતર રાખીને બેસીએ કે વાત ચિત કરીએ એ આ સમયની સભાનતા ગણાશે. એજ રીતે બજારમાં રાશન, દુધ કે શાકભાજીની ખરીદી કરવા નીકળીએ તો પણ આ અંતરની લક્ષ્મણરેખાનું પુરતુ પાલન કરીએ તે લેખે ગણાશે.

સાદ પડયો છે તો જીલી લેવામાં જ સાર છે. વિશ્વ આખુ કોરોનાથી ચિંતીત બન્યુ છે. શું કરવુ શું ન કરવુ તેની ગડમથલો ઉભી રહી છે. ત્યારે આપણા તબીબો અને સરકારી તંત્ર જે સુચનાઓ આપે તેનો અમલ કરવામાં જ સાર છે.

(3:51 pm IST)